ઉચ્છલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીમાં સહભાગી થતા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા
પ્રકૃતિ પૂજક આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ – જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા
—–
કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા પ્રજાજનોને અનુરોધ કરતાં ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત
—–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 09 :- સમગ્ર વિશ્વમાં આજે સામુહિક રીતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થતા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલિમસિંહ વસાવાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે, જળ, જમીન અને જંગલના સંરક્ષક એવા પ્રકૃતિ પુજક આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી વસાવાએ વધુમાં ઉમેર્યુ કે, આદિવાસી સમાજને સમાજની મુખ્યધારામાં લાવવા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ જેવી યોજનાઓ અમલી બનાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પણ આદિવાસી સમાજના દીકરા-દીકરીને ગુણવત્તાસભર શિક્ષણ, શ્રેષ્ઠ અને મફત સારવાર, ખેતી-પશુપાલન સહાય, રોજગારીની તકો, પોષણની ચિંતા તેમજ મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મુક્યો છે.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે જે આપણા માટે ગૌરવની બાબત છે. સરકાર દ્વારા આદિવાસી ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલમાં છે, જેની માહિતી રાખવી અને લાભ લેવો એ આપણી જવાબદારી છે. આ સાથે ડો. ગામીતે સરકારની અનેકવિધ યોજનાનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં થઈ હતી. જેનું જીવંત પ્રસારણ તાપી જિલ્લાના નાગરિકોએ પણ નિહાળીને મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ઉદબોધનથી માર્ગદર્શિત થયા હતા. સાથોસાથ કાર્યક્રમમાં આદિવાસી સમુદાય માટે સરકારની અનેકવિધ યોજનાઓ, કામગીરી અને ઉપલબ્ધિઓ દર્શાવતી શોર્ટફિલ્મની ઝાંખી પણ ફિલ્મનિદર્શનના માધ્યમથી લોકોએ નિહાળી હતી.
આ વેળાએ મહાનુભાવોના હસ્તે શિક્ષણ-ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ પ્રમાણપત્ર અને યોજનાકીય લાભાર્થીઓને યોજનાકીય લાભ-સહાય આપીને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, પદ્મશ્રી રમીલાબેન ગામીત, ઇ. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ખ્યાતિ પટેલ, નિઝર પ્રાંત અધિકારી શ્રી જયકુમાર રાવલ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, જિલ્લા-તાલુકાના અધિકારી-કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000