તાપી જિલ્લામાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શરૂ કરાઇ ટેલિફોનિક હેલ્પલાઇન
“કોરોના” અને “કોલડાઉન”ના લીધે પ્રભાવીત પ્રજાજનો
મનોવૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મેળવી શકે છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા; 24; સાંપ્રત સમયમાં “કોરોના” અને “લોકડાઉન” ને કારણે આમ પ્રજાજનોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી રહી છે. એકલાપણું, બેચેની, ડર, ગુસ્સો, નિરાશા, ચીડિયાપણું, આક્રમકતા, ઊંઘની તકલીફ, જમવાનું ઓછું થઈ જવું કે વધી જવું વિગેરે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. આવી સમસ્યાઓને અનુરૂપ માર્ગદર્શન અને સારવાર માટે, વ્યારાની જનરલ હોસ્પિટલના માનસિક વિભાગ દ્વારા “માનસિક સ્વાસ્થ્ય જાળવવા ટેલિફોનિક હેલ્પ લાઇન” શરૂ કરવામાં આવી છે.
તાપીના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડો. નૈતિક ચૌધરીના જણાવ્યા અનુસાર, જિલ્લામાં કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત “માનસિક આરોગ્ય કાર્યક્રમ” ચાલી રહ્યો છે. જે અંતર્ગત સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ, “માનસિક સ્વાસ્થ્ય જાળવવા ટેલિફોનિક હેલ્પ લાઇન” શરૂ કરવામાં આવી છે. જેના ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાની માનસિક સમસ્યા માટે ફોન કરીને તાલિમબદ્ધ મનોચિકિત્સક પાસે માર્ગદર્શન મેળવી શકે છે. દરરોજ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલતી આ હેલ્પલાઇન (63599 11477) ઉપર તજજ્ઞ ડોક્ટરો સર્વશ્રી વિશાલ ગાંધી, ભરત જાદવ અને ટીવિંકલ પટેલ જરૂરિયાતમંદોનું કાઉન્સેલિંગ કરશે.
ડો.ચૌધરીએ વધુમાં જણાવ્યુ છે કે, આ હેલ્પલાઇન સેવા માત્ર “કોરોના” અને “લોકડાઉન” વિષયક સમસ્યાઓ માટે શરૂ કરવામાં આવી છે. પ્રજાજનો એ તેનો જરૂરિયાત મુજબ લાભ લેવો જોઈએ. સાથે મનમાંથી હતાશા કે ડરને તિલાંજલિ આપી, સલામતીના તમામ નિયમોને અનુસરવા માટે પણ તેમણે અનુરોધ કર્યો છે.
–