નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઉચ્છલ તાલુકામાં ૧૮ દુકાનદારોને રૂા.૩૫૦૦ નો દંડ કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯- નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકા વિસ્તારમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩” (COTPA-2003) અંતર્ગત જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સની કામગીરી કરવામાં આવી જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ-તાપી, મામલતદાર કચેરી ઉચ્છલ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તાપી, જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, તાલુકા આરોગ્ય કચેરી-ઉચ્છલ, પોલીસ સ્ટેશન ઉચ્છલના અધિકારીઓ જોડાયા હતા. ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધ ની કલમ ૪ અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય –કલમ-૫ , કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ ૬-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ ૮૫% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ ની કલમ-૭ વિષે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી. અને તમાકુની બનાવટો વેચતી ૨૬ જેટલી દુકાનોમાં તપાસ કરવામાં આવી જેમાંથી ૧૮ જેટલા દુકાનદારોને COTPA-2003 ની કલમોના ભંગ બદલ બદલ કુલ રૂ. ૩૫૦૦ નો દંડ કરવામાં આવ્યો તે ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તાપી દ્વારા કુલ ૫ દુકાનદારોને ત્યાંથી કુલ ૧૯ કિલો ૭૦૦ગ્રામ અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. આ સાથે ખૂલ્લી જગ્યામાં વેચાતા ખાદ્ય પદાર્થો વેચતા દુકાનદારોને સ્વચ્છતા અને વેચવા માટેના ખાદ્ય પદાર્થોની જાળવણી બાબતે સમજ આપવામાં આવી હતી. એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત,વ્યારા- તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.