મારો મત, મારુ ભવિષ્ય : પુંસરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, દાહોદ સંચાલિત પુંસરી પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે સંદર્ભે વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાની પૂરેપૂરી કાર્યશૈલી અને શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સદર ચૂંટણીમાં શાળાનાં ધોરણ 6 થી 8 નાં કુલ 256 વિદ્યાર્થીઓમાંથી 211 વિદ્યાર્થીઓએ મતદાન કરી પોતાનાં ઉમેદવારોને વિજયી બનાવ્યા હતાં. જેમાં પરમાર જીજ્ઞેશભાઈ અને પિનલબેન માવીનો વિજેતા બન્યા હતાં. આ બંને વિજયી ઉમેદવારોને શાળા પરિવાર તરફથી અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ તકે સ્ટાફગણે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક બાબતો તથા શાળાનાં સુદ્રઢ સંચાલન હેતુ બાળકોમાં નેતૃત્વનાં ગુણો ખીલવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન શાળાનાં આચાર્ય રાજેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ શાળાનાં ઉપશિક્ષિકા સ્વાતિ પંચાલ અને રૂપલ પટેલનાં નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.