કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે પાંચ દિવસીય વ્યવસાયિક બામ્બુ ક્રાફ્ટની તાલીમ યોજાઈ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સીટી નવસારી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે નવસારી કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ તા. ૮ થી ૧૨ જુલાઈ ૨૦૨૪ ના રોજ કે.વી.કે. એન.એ.યુ., વઘઈ ખાતે “વાંસની ટોપલી અને અન્ય વાંસ હસ્તકલા ઉત્પાદન” પર પાંચ દિવસીય વ્યવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ડાંગ જીલ્લાના વિવિધ ગામોની ૧૮ જેટલી સખી મંડળમાંથી ૩૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો.
પાંચ દિવસની વાંસની હસ્તકલા ઉત્પાદન તાલીમમાં વાંસમાંથી બનતી બનાવટો જેવી કે, વાંસની ટોપલી, પેન સ્ટેન્ડ, રોપા મુકવા વાંસના સ્ટેન્ડ, બર્ડ સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ બામ્બુ મોમેન્ટો, ટ્રોફી, બામ્બુ ટ્રે તેમજ વાંસના રમકડાં જેવા કે, બળદ ગાડું, ટ્રેકટર, ટુ વ્હીલર, ધનુષ્ય, વાંસની હોડી, પ્લેન વગેરે સખી મંડળના બહેનોને પ્રેક્ટીકલ તાલીમના માધ્યમથી શીખવવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય તાલીમમાં ગુજરાત લાઈવલીવૂડ મિશન અને એફ.ટી.એ. આહવાના માધ્યમથી પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અને પ્રાકૃતિક ખેત પેદાશોનું માર્કેટિંગને લગતા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.
પાંચ દિવસીય વ્યવસાયિક તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એલ. વી. ઘેટીયા, વૈજ્ઞાનિક વિસ્તરણ ડૉ. જે. બી. ડોબરીયા, ગુજરાત લાઈલીવુડ મિશન વઘઈના નિલેશભાઇ, પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર સંજયભાઈ જે. ચૌધરી, મહેશભાઈ એસ. કાંહડોળિયા, ચંદ્રેશભાઈ છગનીયા, બાયફના સંજીવ કુવર જેવા કૃષિ નિષ્ણાંતોએ પધ્ધતિ નિદર્શન અને વ્યાખ્યાનો આપીને તાલીમને પૂર્ણ કરી હતી. તાલીમના અને સખી મંડળની બહેનોનો પ્રતિભાવ લીધો હતો તેમજ બહેનો દ્વારા પોતાના વ્યવસાયમાં આ તાલીમના માધ્યમ દ્વારા નવુ કરવાની શપથ લીધી હતી. આ તાલીમમાં ૩૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. તાલીમ ના અંતે આ વ્યવસાયિક તાલીમ નુ પ્રમાણપત્ર પણ સખી મંડળ ના બહેનો ને આપવામા આવ્યુ હતુ.