વ્યારા અને સોનગઢમાં અનાજ કરિયાણા, શાકભાજી અને ફળફળાદી ની દુકાનો ચાલુ રહેશે

વેપારી મહાજનો સાથેની બેઠકમાં કલેકટર શ્રી આર.જે.હાલાણીએ આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા કર્યો અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૨: તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરમાં અનાજ કરિયાણા સહિત શાકભાજી, અને ફળફળાદી સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ રાખી, “લોકડાઉન” ના નિયમોનુસાર દુકાનો ખુલ્લી રાખી, પ્રજાજનોને કોઈ મુશ્કેલીઓ ન અનુભવવી પડે તે માટે, કલેકટર શ્રી આર.જે.હાલાણીએ વ્યારા નગરના વેપારી મહાજનોને અનુરોધ કર્યો છે.
વ્યારા અને સોનગઢ નગરમાં “કોરોના”ને પ્રવેશતો અટકાવવા માટેના જરૂરી તમામ પગલાંઓ લઈ, સોશિયલ ડિસ્ટનસિંગ, ફેસ માસ્ક, હેન્ડ ગ્લોઝ અને સેનીટાઈઝરનો ઉપયોગ જેવા તકેદારીના તમામ પગલાંઓ લઈને, આવશ્યક સેવાઓ ચાલુ રહે તે જરૂરી છે તેમ જણાવતા કલેકટર શ્રી હાલાણીએ, “કોરોના”ના સંક્રમણને નાથવાના તમામ પ્રયાસો, સહિયારી રીતે લેવા જોઈએ તેમ જણાવ્યું હતું.
સાવચેતી એ જ સલામતી એમ જણાવતા કલેક્ટરશ્રીએ વેપારી મહાજનોને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા પણ અનુરોધ કર્યો હતો.
વ્યારા અને સોનગઢ ખાતે આવશ્યક ચીજ વસ્તુઓની ઉપલબ્ધતા બાબતે નગરજનોને જો કોઈ મુશ્કેલી કે સમસ્યા હોય તો, જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર : ૧૦૭૭ ઉપર તેની જાણ કરવા પણ કલેક્ટરશ્રીએ અપીલ કરી છે.
વ્યારા ખાતે કલેકટર શ્રી આર.જે.હાલાણી અને સોનગઢ ખાતે વ્યારાના પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોશીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકોમા સંબંધિત અધિકારીઓ, અને અગ્રણી વેપારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો
–