ઓલપાડનાં કાંઠા વિસ્તાર સ્થિત ધનશેર ગામ પરિવાર તથા ધનશેર પ્રાથમિક શાળાનાં સંયુક્ત ઉપક્રમે યુવાનોને CPR તાલીમ આપવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશમાં યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેકનાં બનાવો ચિંતાજનક આગળ વધી રહ્યાં છે. સુરતમાં પણ ડાન્સ કરતી વખતે, જીમમાં કસરત કરતી વખતે અને ખાસ કરીને યુવાનો ક્રિકેટ રમતા હોય ત્યારે યુવાનોમાં હૃદય બંધ થવાનાં કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. વધતાં જતાં હાર્ટ એટેકનાં બનાવોને લઈ સ્વાસ્થ્ય અને સલામતીનાં ભાગરૂપે કાંઠા વિસ્તારમાં આવેલા ઓલપાડ તાલુકાનાં ધનશેર ગામ પરિવાર દ્વારા ધનશેર પ્રાથમિક શાળા ખાતે ગામનાં યુવાનો માટે CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોળી સમાજનાં અગ્રણી ડૉ. જીજ્ઞેશ પટેલ (મમતા હોસ્પિટલ, સુરત), રમેશ પટેલ (નિવૃત્ત ASI) તથા મમતા પટેલ (સરપંચ, છીણી) ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ અંતર્ગત ડૉ. જીજ્ઞેશ પટેલે CPR આપી જે તે વ્યક્તિનો જીવ કઈ રીતે બચાવી શકાય એ અંગેની ગામનાં યુવાનોને વિસ્તૃત પ્રેક્ટીકલ માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે હાર્ટ એટેકનાં લક્ષણો તથા અંગદાન મહાદાન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સદર તાલીમમાં ગામનાં 100 થી પણ વધુ યુવાનોએ હાજર રહી તાલીમને સફળ બનાવી હતી.
ધનશેર ગામનાં વતની અને જે.બી. ધારૂકાવાલા કોલેજનાં પ્રોફેસર ડૉ. હરીશ પટેલે ગામનાં યુવાનોને WHO દ્વારા પ્રસારિત થયેલાં છેલ્લાં 3 વર્ષોનાં વધી રહેલા હાર્ટ એટેક કેસનાં ભયજનક આંકડાઓ આપી ગામનાં યુવાનોને CPR તાલીમનું મહત્વ સમજાવ્યું હતું. અંતમાં ધનશેર પ્રાથમિક શાળાનાં આચાર્ય રસિક રાઠોડે ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.