તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
ધારાસભ્યો અને સાંસદસભ્યો સહીત પ્રજાકીય પ્રશ્નોનો સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા તાકીદ કરતા ઇચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫- તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ,વ્યારા ખાતે આજરોજ ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ કચેરીમાં આવતા કાગળો 15 દિવસમાં નિકાલ કરવા ખાસ તાકીદ કરી હતી. સાથે ધારાસભ્યો અને સાંસદસભ્યોની આવતી રજુઆતોના તથા પ્રજાકીય પ્રશ્નોનાં રજીસ્ટરરો નિભાવી સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા તાકીદ કરી હતી
સંકલન સમિતિની બેઠકમાં વિવિધ વિભાગોના શાખા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, સરકારી વસુલાતો સમય સમયસર કરવા,નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો અંગે પણ તપાસ કરવા જણાવ્યું હતું.તથા સમાચાર પત્રોમાં આવતા નેગેટીવ ન્યુઝને ખાસ ધ્યાને લઇ જરૂરી કાર્યવાહી સમયસર કરવા ખાસ સુચના આપી હતી.
વધુમાં જણાવ્યું હતું કે,ધારાસભ્યશ્રીઓના એમના પ્રશ્નોના જવાબ સમયસર મળી જાય તેમજ જરૂર જણાયે વચગાળાના જવાબો કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
સંકલનની બેઠકમાં આ સાથે નાગરિક અધિકાર,અધિકારી-કર્મચારીઓના નિવૃત્તિ પેન્શન કેસો,એ.જી.ઓડિટ પારા,સરકારી વસુલાત,ખાતાકિય તપાસ, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
સંકલન સમિતિની આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બરોડ,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000