તાપી જિલ્લામાં હિટવેવના આગોતરા આયોજનના અમલવારી અંગે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષતામાં હાલ ચાલી રહેલ વધુ ગરમ હવામાન અને હીટ વેવના આગોતરા આયોજનના અમલવારી માટે જિલ્લા અને તાલુકા કક્ષાના હિટવેવ નોડલ અધિકારી અને મામલતદારશ્રીઓ તેમજ સંબધિત સલગ્ન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ હિટવેવને ધ્યાને રાખી જાહેર જનતાને ઉપયોગી થઇ શકે તેવા જાહેર સ્થળો પર પીવાના પાણી તેમજ છાશની વ્યવસ્થા અને છાંયડો, ટેમપરરી શેલ્ટર, શ્રમિકોના કામના કલાકોમાં બદલાવ તેમજ કામના સ્થળો પર પિવાનું પાણી અને છાયડો રાખવાની વ્યવસ્થા, શાળાઓના સમયમાં ફેરફાર તેમજ શાળાઓમાં પીવાના પાણીની પુરતી સગવડ રાખવા સહિત તથા આરોગ્ય વિષયક સેવાઓ તથા પી.એચ.સી/સબ સેંટર ખાતે ઓ.આર.એસ અને જરૂરી દવાઓનો જથ્થો જાળવવા જિલ્લામાં અગ્રતાના ધોરણે કામગીરી કરવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી તમામ કાર્યવાહી વિશે માર્ગદર્શન આપ્યું હતું. હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકોનું મૃત્યુ ન થાય કે લોકોને લુ ન લાગે તથા પશુઓના આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા જણાવ્યું હતું.
હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવુ. આખુ શરીર અને માથુ ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ. અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું, અને લીંબુ શરબત, મોળી છાશ અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં વારંવાર પીવું, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહિ પીવું, શક્ય હોય તો લીંબુ શરબત બનાવી પીવુ, ગરમીમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું જેવા જરૂરી સાવચેતી અંગેના બેનરો જાહેર સ્થળોએ લગાવી લોકોને હિટવેવથી થતા નુકશાનથી બચાવી શકાય તે માટે બહોળા પ્રમાણમાં પ્રસારપ્રચાર કરવા જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા. તેમજ તમામ તાલુકા કક્ષાએ હિટવેવ અંગેની તાલુકાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવા સુચના આપવામાં આવી હતી.
00000000