ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા આરોગ્ય તંત્ર કટીબધ્ધ..

Contact News Publisher

ડાંગના કુલ ૩૧૧ ગામને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગના ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,૭૧ સબ સેન્ટર મેડીકલ સેવાઓથી સજ્જ..

આરોગ્ય વિભાગના તમામ તબીબોએ આજપર્યંત ૩૦,૧૭૨ લોકોની તપાસણી કરી. જેમાં ૯૭ લોકો હોમ કવોરોન્ટાઇન હેઠળ,જે પૈકી ૩૬ વ્યક્તિઓનો હોમ કવોરોન્ટાઇન પૂર્ણ અને ૬ લોકો પેસેન્જર્સ ફેસીલીટી ક્વોરોન્ટાઇન હેઠળ છે.

( અજુઁન જાધવ દ્વારા, વઘઈ): તા. ૧૭:  સમગ્ર વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID- 19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે નોવેલ કોરાના વાયરસ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાઇરસને આવતો અટકાવવા જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસની ગંભીરતાને લઇને સંપૂર્ણ તકેદારી સાથે સમગ્ર જિલ્લામાં ૨૪ કલાક કામગીરી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગની સતર્કતાને પગલે આજદિન સુધી ડાંગ જિલ્લામાં એકપણ કોરોના પોઝેટીવ કેસ આવ્યો નથી.
ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ તમામ ૩૧૧ ગામોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આહવા,વધઇ અને સુબીર ત્રણે તાલુકાઓમાં કુલ ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,૭૧ સબ સેન્ટર ૨૪ કલાક મેડીકલ સેવાઓથી સજ્જ છે. એકશન ટેકન રીપોર્ટ મુજબ જનરલ હોસ્પિટલ,આહવામાં શંકાસ્પદ દર્દી માટે અલગથી ફલુ કોર્નર તેમજ COVID- 19 હોસ્પિટલ સાથે ૧૦૦ બેડનો આઈસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે. તેમજ વાંસદા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં ૧૦૦ બેડવાળી હોસ્પિટલને તૈયાર કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં કુલ ૩ જગ્યાએ વધઇ અને સુબીર ખાતે ૫-૫ અને શામગહાન ખાતે ૧૦ બેડવાળા COVID CARE CENTER કાર્યરત છે. તેમજ આયુર્વેદિક હોસ્પિટલમાં ૨૦ બેડના COVID CARE CENTER કાર્યરત કરવાની કાર્યવાહી ચાલુ છે.
અત્રેના જિલ્લામાં ત્રણ બાજુ મહારાષ્ટ્ર અને બે બાજુઓ નવસારી તેમજ તાપી જિલ્લો મળીને કુલ ૧૪ જેટલા નાકાઓ ઉપર સ્ક્રીનીંગ માટે આરોગ્યની ટીમ મુકવામાં આવેલ છે. તેઓ દ્વારા જિલ્લામાં આવતા મજુરોને કોરોના વિષયક સમજણ આપી ફરજીયાત ૧૪ દિવસ સુધી ન નીકળવા જણાવવામાં આવે છે. આ અંગેનું સુપરવિઝન અને મોનીટરીંગ કરવા તમામ તાલુકા હેલ્થ ઓફિસર અને મેડીકલ ઓફિસરશ્રીઓને જણાવી જો કોઇ કવોરોન્ટાઇનનો અમલ ન કરે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. તમામ પી.એચ.સી.,સી.એચ.સી. અને જનરલ હોસ્પિટલમાં દરેક કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીઓના તેમજ કોન્ટેક્ટ વ્યક્તિઓના રજીસ્ટર નિભાવવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જનજાગૃતિ માટે દરેક ગામોમાં માઇક પ્રચાર કરવામાં આવે છે. આજદિન સુધીમાં કુલ ૧,૦૦,૦૦૦ પત્રિકાઓનું વિતરણ કરાયું છે. તથા ૭૯૮ બેનર્સ/હોર્ડિંગ્સ જાહેર સ્થળો ઉપર લગાવવામાં આવ્યા છે.
ભારત સરકારના આયુષ મંત્રાલયના દિશા સૂચન મુજબ ડાંગ જિલ્લામાં કુલ ૬ સ્થળોએ આયુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહેલ છે. આજદિન સુધી કુલ ૭,૬૭૪ લોકોએ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો છે. આ ઉપરાંત ડાંગના જડીબુટ્ટીથી સારવાર કરતા ભગતો દ્વારા પણ પોતાના ગામોને આયુર્વેદિક વનસ્પતિથી સેનેટાઈઝ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગના તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને હેડકવાર્ટર ન છોડવાની તાકીદ કરાઇ છે. જિલ્લામાં દવાઓનો જથ્થો પુરતો છે. તેમજ જરૂરિયાતવાળા માસ્ક,સેનીટાઇઝર તેમજ થર્મલ સ્કેનરની માંગણી પણ રાજ્ય સરકારમાં કરવામાં આવેલ છે.
અત્યાર સુધીમાં કુલ ૯૭ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૩૬ વ્યક્તિઓનો હોમ ક્વોરોન્ટાઈન પિરીયડ પૂર્ણ થયો છે અને હાલમાં કુલ ૬ વ્યક્તિઓ ફેસિલિટિ કવોરોન્ટાઇન હેઠળ છે. આહવા,વધઇ તેમજ સુબીર તાલુકામાં જાહેર રસ્તા ઉપર થુંકવા માટે આજદિન સુધી કુલ રૂા.૩૦૦૦/- જેટલા દંડની કાર્યવાહી કરવામાં આવી છે.દરેક સરકારી દવાખાનામાં ૦.૫ ટકા હાઇપોક્લોરાઇટ સોલ્યુશનથી સાફ-સફાઇ કરાવવાનું ચાલુ કરી દેવામાં આવેલ છે. તેમજ આજદિન સુધી કુલ ૧૦૫૪ જેટલા સ્થળો ઉપર ડસ્ટીંગ કામગીરી કરવામાં આવેલ છે. ફીલ્ડ પરના તમામ આરોગ્ય કર્મચારીઓ,આશાઓને સેટકોમ મારફતે કોરોના વાઇરસ માટેના જનજાગૃતિ અંગેની તાલીમ આપવામાં આવી છે. હાલમાં જિલ્લામાં ટ્રીપલ લેયર માસ્ક ૬૫૦ અને N95 માસ્ક ૯૦ ઉપલબ્ધ છે.
ડાંગ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજદિન સુધીમાં કુલ ૩૦,૧૭૨ લોકોની તપાસણી કરવામાં આવી છે. આમ જિલ્લા વહીવટી તંત્રનું સુચારૂ માર્ગદર્શન,ચુસ્ત પોલીસ બંદોબસ્ત,તેમજ વન વિભાગની સતર્કતા અને આરોગ્ય વિભાગની ભારે જહેમતના સરવાળાને કારણે આજદિન સુધી ડાંગ જિલ્લો કોરોનામુક્ત બની રહયો છે.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other