ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 3 થી 5 ની વાર્ષિક પરીક્ષાનો આજરોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. તાલુકાની માસમા પ્રાથમિક શાળા સહિત અન્ય પ્રાથમિક શાળાઓમાં સવારે બાળકોનાં આગમન ટાણે તેમને શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી આવકારવામાં આવ્યા હતાં.
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નિયત સમયપત્રક મુજબ તાલુકાની 105 સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 3 થી 5 માં અભ્યાસ કરતાં લગભગ 4409 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતાં. તમામ પરીક્ષાર્થીઓને ઈન્ચાર્જ ટીપીઈઓ નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે શુભેચ્છા પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.