પુંસરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રૂપા પલાસનું પ્રથમ ગીત સ્ટુડિયોમાં રેકોર્ડ થયું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પુંસરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રૂપા પલાસ કે જેને માં સરસ્વતીનાં અમૂલ્ય ભેટસમો કોકિલ કંઠ મળ્યો છે જે દીકરી પોતાની અથાગ મહેનત અને આત્મવિશ્વાસથી ગાયન કૌશલ્યમાં સતત આગળ વધતી રહી છે. આ હોનહાર દીકરીએ વિદ્યા અભ્યાસની સાથોસાથ જિલ્લા કક્ષાએ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાએ ઉપરાંત દાહોદ સ્માર્ટ સિટીનાં જુદાજુદા કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની આગવી ઓળખ ઊભી કરેલ છે. તેણીનું પોતાનું પહેલું ગીત ઝાંબુઆ ખાતે ગાયક મેહુલ મેડા સાથે આલ્બમમાં રજૂ થયેલ છે જે ગૌરવની બાબત છે.
શાળાની આ પ્રતિભાવંત વિદ્યાર્થીની ગાયન ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરે અને સફળતા મેળવે તે માટે પુંસરી પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજેશભાઈ પટેલ સહિત શિક્ષકગણ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર દિપકભાઇ પંચાલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર રાજુભાઈ તગડીયા તથા કિરીટભાઈ પટેલ દ્વારા હાર્દિક અભિનંદન શુભાશિષ પાઠવવામાં આવ્યા હતાં. આ તકે વિદ્યાર્થીની રૂપાને માર્ગદર્શન આપનાર શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીએ દીકરીનાં ઘરે જઈને તેનાં પિતા માધુભાઈ અને તેમનાં પરિવાર સાથે મોઢું મીઠું કરી હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.