ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિદ્યાર્થીઓ પોતાનાં અભ્યાસકાળ દરમિયાન સૌથી વધુ વર્ષો પ્રાથમિક શાળાઓમાં વીતાવે છે. તેઓ જીવનનાં પાઠ શીખવાની શરૂઆત પણ પ્રાથમિક શાળાથી કરે છે તેથી તેમનાં જીવનમાં પ્રાથમિક શાળા, પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની છાપ અમીટ રહેતી હોય છે.
ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભટગામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, વાલીજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે પ્રાર્થના સ્વાગતગીત બાદ વિદાય લેતાં તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી કાર્યક્રમને દીપાવ્યો હતો.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય વિરલ પટેલ દ્વારા ધોરણ 8 નાં વિધાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરી ગામ તથા શાળાનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે શાળાનાં શિક્ષકો નિમિષા પટેલ, મનિષા પટેલ, કલ્પના પટેલ, દિપક પટેલ તથા અલ્પેશ સુરતીએ પણ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યાં હતાં. કાર્યક્રમનાં અંતે શાળાનાં તમામ વિધાર્થીઓએ શિક્ષકગણ તરફથી આપવામાં આવેલ પાઉંભાજીની મિજબાની માણી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.