ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં રંગોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હોળી અને ધૂળેટી બંને અલગ અલગ તહેવારો છે. એમ છતાં બંને તહેવારો એકબીજા સાથે સંકળાયેલા છે. હોળી સાથે સંકળાયેલી હોલિકા અને પ્રહલાદની કથા પ્રાચીન અને રસદાયક છે. જેનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે જ્યારે બીજી તરફ આબાલવૃધ્ધને પ્રિય ધૂળેટીની પણ એક અલગ મજા છે. આ પરંપરાને પ્રતિવર્ષની જેમ ઉજાગર કરવા ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં હોળી-ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
જેવી રીતે રંગ અલગ અલગ હોય છે, તેવી જ રીતે જીવનમાં સુખ અને દુઃખ જેવાં રંગો આવતાં જતાં હોય છે. આ રંગો સાથે આપણે રમીને જીવનનો આનંદ માણવો જોઈએ એવાં શુભ સંદેશ સાથે કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી, મીંઢી, મોર, ભગવા તથા મીરજાપોર ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોએ અવનવા રંગોની બૌછાર સાથે મન ભરીને ધૂળેટીની મજા માણી હતી.
દરેક શાળાઓમાં તેની પ્રાર્થનાસભામાં શિક્ષકો દ્વારા બાળકોને હોળીનાં ધાર્મિક મહાત્મ્યથી વાકેફ કરવામાં આવ્યા હતાં. સાથેજ ધૂળેટીની વિવેકપૂર્ણ રીતે ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, કેન્દ્વાચાર્યા જાગૃતિ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ તથા ઉપપ્રમુખ ચિરાગ પટેલે સૌને રંગોત્સવની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.