પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરનાં ઉપક્રમે મીરજાપોર પ્રાથમિક શાળામાં વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસની વિશેષ ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ક્ષય રોગ અટકાવવા માટે પગલાં ભરવા તથા આ બિમારી વિશે લોકોને જાગૃત કરવા પ્રતિ વર્ષ 24 માર્ચે સમગ્ર વિશ્વમાં ક્ષય રોગ નિવારણ દિવસ મનાવવામાં આવે છે. જેનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોરનાં ઉપક્રમે આયુષ્યમાન આરોગ્ય મંદિર, જીણોદ દ્વારા મીરજાપોર પ્રાથમિક શાળામાં વિશ્વ ક્ષય રોગ નિવારણ જાગૃતિ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં બાળકોએ સદર બિમારીની જાગૃતિ અર્થે ગામમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. જેમની સાથે શિક્ષકો સહિત આરોગ્ય કર્મચારીઓ જીનલ કે. પટેલ (CHO), પિનલ કે. પટેલ (FHW) તથા વિપુલ એ. પટેલ (Mphw) જોડાયા હતાં.
આ રેલી શાળાનાં પટાંગણમાં સભા સ્વરૂપે ફેરવાઈ હતી જ્યાં ઉપસ્થિત વાલીજનો તથા ગ્રામજનોને સંબોધીને CHO જીનલ પટેલે જણાવ્યું હતું કે ક્ષય એક સંક્રામક બીમારી છે. આ બિમારી હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ક્ષયનાં બેકટેરિયા શરીરનાં કોઈપણ ભાગમાં આ રોગ કરી શકે છે. ક્ષયનાં લક્ષણમાં છાતીમાં દુખાવો, ઉધરસ, તાવ, થાક અને શરીરમાં નબળાઈનો અનુભવ, ગળામાં સોજો અને પેટમાં ગડબડ વગેરે છે. રોગપ્રતિકારક શક્તિનાં અભાવે લોકો ક્ષયગ્રસ્ત બને છે. તેમણે ઉમેર્યુ હતું કે ભારત સરકારે સને 2025 સુધીમાં દેશમાંથી અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ સને 2030 સુધીમાં વિશ્વમાંથી આ રોગને નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ કરેલ છે. ક્ષયની તપાસ અને સારવાર તમામ સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. આ રોગ હવે અસાધ્ય નથી પણ નિયમિત સારવાર લેવાથી જ આ રોગ મટે છે, તેની સારવાર અધૂરી રાખવાથી રોગ વકરે છે એ ક્યારેય ભૂલવું ન જોઈએ.
આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ચિરાગ પટેલ, ગામનાં સરપંચ કૈલાશ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ જિગીશા પટેલ સહિત આસપાસની પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનોએ ખાસ ઉપસ્થિત રહીને આ જાગૃતિ કાર્યક્રમને અનુમોદન આપ્યું હતું. પ્રારંભે શાળાનાં આચાર્ય અંજના પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો જ્યારે અંતમાં શાળાનાં ઉપશક્ષિકા સોનલ બ્રહ્મભટ્ટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.