ઓલપાડનાં યુવકે નગરમાંથી મળી આવેલ માનસિક અસ્વસ્થ મહિલાને યોગ્ય આશ્રયસ્થાન અપાવી માનવતા મહેંકાવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મદદ શબ્દ આમ તો નાનો છે પરંતુ કોઈનાં જીવનમાં પ્રકાશ ફેલાવવા કરેલી મદદ જરૂરિયાતમંદ માટે તો ઈશ્વરનાં આશીર્વાદ સમાન જ હોય છે. વર્તમાન સમયમાં જરૂરિયાતમંદોને વિવિધ સંસ્થાઓ મદદ કરતી હોય છે ત્યારે સમાજમાં મદદ કરવાની ભાવના અને ઉદાહરણ બેસાડવા માટે ઓલપાડનાં યુવકનો એક સરાહનીય કિસ્સો પ્રકાશમાં આવેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર માનસિક રીતે અસ્વસ્થ એક મહિલા છેલ્લાં કેટલાંક દિવસોથી ઓલપાડ નગરમાં આંટાફેરા મારી એક જ જગ્યાએ ઝાંપાફળિયાનાં નાકે સુનમુન બેસી રહેતી હતી. આવતાં-જતાં લોકો દ્વારા તેને ખાવાપીવાનું પણ આપવામાં આવતું હતું. ત્યારે ઓલપાડ નગર સ્થિત ઝાંપાફળિયાનાં રહીશ એક જાગૃત યુવક એવાં હર્ષદ ગોરાણીની નજર આ મહિલા પર પડી હતી. તેમણે આ જગ્યાનાં માલિક જીતેન્દ્રકુમાર સંતોષનાથ યોગીનો સહયોગ લઈ આ મહિલા સાથે શાંતિથી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતાં નિરાધાર મંદબુદ્ધિથી પીડિત વ્યક્તિઓને આશરો આપતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ, કામરેજનાં સ્વયંસેવકોની સાથે વાતચીત કરી તેણીનાં આશ્રયની વ્યવસ્થા કરી માનવતા મહેંકાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ સાથે સંકળાયેલ એવાં હર્ષદ ગોરાણી જનસેવા એજ પ્રભુસેવાનાં સૂત્રને આત્મસાત કરી ઓલપાડ તથા તેની આજુબાજુનાં વિસ્તારમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને યથાયોગ્ય રીતે મદદરૂપ બની માનવધર્મ બજાવતાં રહે છે. આટલું જ નહિં તેઓ પશુ, પંખી કે સરિસૃપો પ્રત્યે પણ કરૂણાભાવ દાખવી અન્યને પ્રેરણારૂપ કાર્ય રાતદિન જોયા વિના હરહંમેશ કરતાં રહે છે. જોગાનુજોગ તેમણે હોળી અને ધૂળેટીને ટાંકીને જણાવ્યું હતું કે જરૂરિયાતમંદોની સેવા જ સાચા અર્થમાં તહેવારની ઉજવણી છે. આજરોજ તેમણે માનસિક અસ્વસ્થ મહિલાને યોગ્ય આશ્રયસ્થાને પહોંચાડીને નગરજનોમાં દ્ષ્ટાંતરૂપ બન્યાં હતાં.