વ્યારા તાલુકાના વડકુઇ ગામે હળદર અને મરી પાક ઉપર ખેડૂત પરિસંવાદ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસર (મેગાસીડ) અને યુનિટ હેડ, ન.કૃ.યુ., નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વ્યારા જિ. તાપીના સંયુક્ત ઉપક્રમે મીશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર, ડિ.એ.એસ.ડી., કલીક્ટ, કેરાલાના પ્રોજેક્ટ અંતર્ગત તા.૧૩ અને ૧૪ માર્ચ, ૨૦૨૪ ના રોજ બે દિવસીય ખેડૂત પરિસંવાદ “હળદર અને મરી પાકની વૈજ્ઞાનિક ખેતી તથા મૂલ્યવર્ધન” વિષય પર વ્યારા તાલુકાના વડકુઇ ગામે યોજાયો. જેમાં કુલ ૧૦૦ થી વધારે ખેડૂત ભાઈ – બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને ન.કૃ.યુ., નવસારીના માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. એમ. ચૌહાણએ જણાવ્યું કે તાપી જિલ્લામાં ખેડૂતો દ્વારા નવીનતમ ટેકનોલોજીઓ અપનાવી કૃષિક્ષેત્રે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વધુમાં તેમણે વિવિધ દ્રષ્ટાંતો આપી ખેડૂતો કૃષિ ઉત્પાદનોના બજાર વ્યવસ્થાપન ઉપર ભાર મૂકે એ માટે પહેલ કરી હતી તેમજ હળદરના પાકનું વાવેતર કરી વધારાની આવક મેળવવા ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડયાએ બધા મહેમાનોને આવકારી હળદર અને મરી પાકની વૈજ્ઞાનિક ખેતી અને તેના મૂલ્યવર્ધન વિષે છણાવટ કરી હતી. એમ. આઈ. ડી. એચ. પ્રોજેક્ટના પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને નોડલ ઓફિસર (મેગાસીડ) અને યુનિટ હેડ. ન.કૃ.યુ., નવસારીના ડો. ડી. એ. ચૌહાણએ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીઓ વિષે વિસ્તૃતમાં સમજ આપી હતી. તેમજ ખેતીમાં બીજના મહત્વ વિષે ખેડૂતોને ઉંડાણપૂર્વક સમજ આપી હતી. શ્રી તુષાર ગામીત, નાયબ બાગાયત નિયામક-તાપી દ્વારા ખેડૂતોને હળદર અને મરી પાકના બિયારણ ખરીદવા માટે ગુજરાત સરકારની વિવિધ બાગાયતી યોજનાઓ વિષે ખેડૂતોને અવગત કર્યા હતા. ડો. આર. કે. પટેલ, ઇન્ચાર્જ પ્રાધ્યાપક અને વડા, જિનેટીક્સ અને પાક સંવર્ધન વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય દ્વારા હળદર અને મરી પાકની વૈજ્ઞાનિક ખેતી વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ડૉ. એચ. પી. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક,નોડલ ઓફિસર (મેગાસીડ) અને યુનિટ હેડ.ક.દિ.સં.કે. દ્વારા હળદર અને મરી પાકમાં આવતા રોગ અને તેના નિયંત્રણ વિષે સમજણ આપવામાં આવી હતી. ડૉ. એન. કે. કવાડ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, નોડલ ઓફિસર (મેગાસીડ) અને યુનિટ હેડ. ન.કૃ.યુ., નવસારી દ્વારા હળદર અને મરી પાકમાં આવતી જીવાતોની ઓળખ, તેનાથી થતું નુકશાન અને તેને કાબુમાં લેવાના ઉપાયો વિષે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે તાંત્રિક વ્યાખ્યાનો બાદ હળદર અને મરી પાકોમા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું વૈજ્ઞાનિકો દ્વારા સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમને અંતે કેવિકે-તાપીના વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. એ. જે. ઢોડિયા દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.
કાર્યક્રમના બીજા દિવસે ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીની મુલાકાત કરાવવામાં આવી હતી. જ્યા ડૉ. દેવ રાજ, પ્રાધ્યાપક અને વડા, અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચર દ્વારા ખેડૂતોને પોસ્ટ હારવેસ્ટ ટેકનોલોજી વિભાગની મુલાકાત કરાવી હળદર અને મરી પાકમાં મૂલ્યવર્ધન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. પી. પી. ભાલેરાવ, મદદનીશ પ્રાધ્યાપક (પી. આઈ.-એ. આઈ. સી. આર. પી.) દ્વારા ખેડૂતોને ન. કૃ. યુ., નવસારી ખાતે હોર્ટિકલ્ચર ફાર્મની મુલાકાત કરાવી હળદર પાકને આંતરપાક કઈ રીતે લઈ શકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ડૉ. પી. કે. મોદી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી દ્વારા મરીના વેલાને આધાર ઝાડ ઉપર કઇ રીતે ચઢાવવા એના વિષે પધ્ધતિ નિદર્શન બતાવવામાં આવ્યું હતું.