સોનગઢ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે આદિવાસી એકલનારી મહિલા સ્નેહમિલન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જન સહયોગથી શક્તિ કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર, સોનગઢ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે 11મી માર્ચના રોજ એકલનારી મહિલા સ્નેહમિલનનું સુંદર આયોજન થયું. સવારે ૯.૩૦ કલાકે દક્ષિણ ગુજરાતનાં ઉચ્છલ, નિઝર, સોનગઢ, વ્યારા, માંડવી, માંગરોળ, ઉમરપાડા એમ ૭ તાલુકામાંથી ૬૦૦૦થી વધુ એકલનારી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં, વિધવાઓ, પતિથી અલગ રહેતા બહેનો, છૂટાછેડા લીધેલ, પતિ ગુમ થયેલ હોય એવા બહેનો અને લગ્ન નથી કર્યા જેની ઉમર ૪૦ થી વધારે હોય એવા બહેનો અંદાજિત ૧૫૫ વાહનોમાં દૂર દૂરથી લાંબી મુસાફરી કરીને શક્તિના પ્રટાગણમાં પધાર્યા. પછી સૌ એકલનારીઓને માન સન્માન સાથે સ્વાદિષ્ટ પ્રીતિ ભોજન પીરસવામાં આવ્યું અને તે સમય દરમિયાન કાર્યક્રમ સ્થળ પર તમાશા નાટક ટીમ દ્વારા “એકલનારી ભારતનાં એક નાગરિક અને સામાજિક પરિસ્થિતિ” વિષય પર મનોરંજન સાથે સંદેશો પૂરો પાડ્યો હતો. ત્યાર બાદ આ બહેનોએ એકલનારી બહેનો દ્વારા ચલાવવામાં આવતા ગૃહઉધોગોનાં અલગ અલગ સ્ટોલની મુલાકાત લીધી જેમકે પાપડ બનાવવું, રજાઈ બનાવવું, જેમાં ખાસ કરીને આરોગ્ય સ્ટોલની મુલાકાત ઘણી ઉપયોગી રહી હતી બહેનોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી વિનામૂલ્યે જરૂરી દવા મેળવી હતી. બહેનોએ હેલ્થને લગતા વિવિધ કાર્ડ કઢાવવા અરજી કરી હતી. આ સ્ટોલ દ્વારા ઘણી જરૂરિયાતમંદ એકલનારીઓએ ઘણા સમયથી અટકેલાં પોતાના હેલ્થને લગતા કામો થતાં આનંદની લાગણી અનુભવી હતી અને આ આરોગ્યની સેવા માટે સોનગઢ તાલુકા આરોગ્ય વિભાગ તરફથી સેવા પૂરી પાડવામાં આવી હતી.
એકલનારી બહેનો ઉત્સાહ સાથે આગળના કાર્યક્રમ માટે આતુરતાથી મંડપમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી. તમામ એકલનારીઓનો સ્ટેજ પરથી શાબ્દિક આવકાર થયો અને દરેક જણ આદિવાસી રીત રિવાજની પૂજાવિધિમાં જોડાયા અને આ વિધિ પણ એકલનારી બહેનો દ્વારા જ કરવામાં આવી હતી. ત્યાર પછી શક્તિ ટ્રસ્ટના ડાયરેક્ટરશ્રી રમેશભાઈ તડવી દ્વારા કાર્યક્રમના હેતુ વિશે સમજણ ઊભી કરી જેમાં, એકલનારીઓ સ્વમાનપૂર્વક જીવન જીવે એમાં સમાજનું માન છે. તેથી એકલનારીઓ એક મંચ પર આવે અને તેમને સહકાર, ટેકો, અને હૂંફ મળે તે માટે સાથે રહી મદદ કરવાની જરૂર છે એવી સમજ ઊભી કરવામાં આવી.
આગળ વધતાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ દરેક મુખ્ય મહેમાનોનું પણ સ્ટેજ પર પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યો હતો જેમાં, રિટાયર્ડ કલેક્ટરશ્રી આર.જે.પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલભાઈ વસાવા, તાલુકા આરોગ્ય અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન ગામીત તેમજ કૃષિ વૈજ્ઞાનિક અધિકારી-જુનાગઢ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી દરેક મહાનુભાવો દ્વારા એકલનારીઓને પોતાની શાખા તરફથી કેવી રીતે મદદરૂપ બનશે તે બાબતે વ્યક્તવ્યો આપી એકલનારીઓને હૂંફ પૂરું પાડ્યું. દરેક તાલુકામાંથી અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે આદિવાસી એકલનારીઓએ પોતનામાં રહેલી અલગ અલગ કલા-કૌશલ્યોની રજૂઆત કરી દરેક માટે મોનરંજન પૂરું પાડ્યું હતું. ત્યાર બાદ ભેગી થયેલ એકલનારીઓમાંથી ૫ જેટલી બહેનોએ પોતાના જીવનનો સંઘર્ષ અને સમાજમાં નડતાં પડકારોનું આપલે કર્યું હતું જે તમામ માટે પ્રેરણાદાયક હતું. એકલનારીઓના પડકારો અને જરૂરિયાતોમાં ખાસ કરીને તેમની સામાજિક, આર્થિક, શૈક્ષણિક, અને આરોગ્યની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. ઘણી રીતે એકલનારીઓ બીજા ઉપર આધારિત છે. તેમાંથી ઘણા પાસે પોતાનું ઘર નથી, અમુક પાસે પોતાના નામે મકાન કે મિલકત નથી, ઘણી એકલનારીઓના ઘરમાં પાણી, શૌચાલય, વીજળી જેવી પાયાની સુવિધા નથી, ઘણી એકલનારીઓ પાસે એમના અધિકાર કે લાભો લેવા માટે જરૂરી દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આરોગ્યકાર્ડ નથી. અમુક બહેનો પાસે તેમના પતિનો મરણનો દાખલો નથી. તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતાના બાળકોને ભણાવવામાં મુશ્કેલી અનુભવે છે. આજીવિકા માટે તેમની પાસે સાધનનો અભાવ છે. જેવા ઘણા પ્રશ્નો બહાર આવ્યા હતા અને આવી પરિસ્થિતિમાં જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. તો આવા પ્રશ્નોને લઈને લઈને એકલનારી બહેનો દ્વારા આવેદનપત્ર તૈયાર કરી નિયામકશ્રી (મહિલા કલ્યાણ) કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. દરેક એકલનારી બહેનો પોતાના પ્રશ્નો અને સમસ્યા તરફ અધિકારીઓ નજર નાંખશે એવા વિચારો અને હકરાત્મા લાગણીઓ સાથે ખુશ જોવા મળ્યા.
આ સ્નેહમિલન કાર્યક્રમ ઘણોજ અસરકારક અને એકલનારીઓને સ્નેહ અને ટેકો મળી રહે એ આશા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જતાં કાર્યક્રમમાં ભાગ લેનાર એકલનારીઓ, ઉપસ્થિત મહાનુભાવો, કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપનાર દરેક દાતાઓ, કાર્યક્રમમાં જરૂરી વસ્તુઓ પૂરી પાડનાર દરેક દાતાઓ, સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડનાર રસોઈયાઓ, મંડપ અને સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થા કરનારાઓ તેમજ કાર્યક્રમમાં નાની મોટી સેવા આપનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ દરેકે સમૂહનાચમાં ભાગીદાર બની ઉપસ્થિત દરેક જણ આનંદથી ઝૂમી ઊઠીયા હતા. આ કાર્યક્રમનું સંચાલન કોંકણી મંગલાબેન અને ગામીત પ્રિયંકાબેન તેમજ અમિતાબેન દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.