તાપી જિલ્લામાં આગામી ૧૬ અને ૧૭મી માર્ચના રોજ યોજાનાર પલાશ પર્વ (હોળી મહોત્સવ)ની ઉજવણીને અનુલક્ષીને બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.07: ગુજરાત સરકારનાં રમત ગમત,યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર,તાપી દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ“પલાશ પર્વ” (હોળી મહોત્સવ) ની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને આજરોજ વ્યારા પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે આયોજન સંદર્ભે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર આગામી તા.૧૬/૦૩/૨૦૨૪ તથા તા.૧૭/૦૩/૨૦૨૪ દરમ્યાન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે “પલાશ પર્વ” (હોળી મહોત્સવ)ની ઉજવણી કરવામાં આવનાર છે. આ પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ આદિવાસી જૂથો દ્વારા પરંપરાગત સંગીતકળા, વાદ્યકળા, નૃત્યકળા તેમજ વિવિધ આદિવાસી વાનગીઓના સ્ટોલ, હસ્ત કલા, હાથ બનાવટની કલાકૃતિ ધરાવતા વિવિધ સ્થાનિક કલાકારોના સ્ટોલ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.
૦૦૦૦