તાપી જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ

Contact News Publisher

આયોજન મંડળની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિત તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂા.૯૦૦ લાખના કુલ ૪૧૯ વિકાસ કામોની મંજૂરી અપાઈ

એ.ટી.વી.ટી. કાર્યવાહક યોજના હેઠળ તાલુકો- ઉચ્છલ અને કુકરમુંડા મળી કુલ રૂ.૨૫૦.૦૦ લાખના કુલ-૧૨૪ કામોને પણ મંજુરી આપવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩- તાપી જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યકક્ષાના વન પર્યાવરણ,ક્લાઈમેટ ચેન્જ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજેરોજ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા,ધારાસભ્યશ્રીઓ મોહનભાઈ ઢોડિયા, ડો.જયરામભાઈ ગામીત, મોહનભાઈ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આગામી નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ ના રૂા.૯૦૦ લાખના કુલ ૪૧૯ ના વિકાસ કામોની કાર્યવાહી નોંધને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. તેમજ એ.ટી.વી.ટી. કાર્યવાહક યોજના હેઠળ તાલુકો- ઉચ્છલ અને કુકરમુંડા મળી કુલ રૂ.૨૫૦.૦૦ લાખના કુલ-૧૨૪ કામોને પણ મંજુરી આપવામાં આવી હતી.

પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી વિકાસના કામો ગુણવત્તાસભર થાય અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવા પ્રયાસ કરવાના રહેશે. વધુમાં અગાઉના વર્ષના બાકી કામોની મંજૂરી અપાઈ ગઈ હોવા છતા બાકી રહેતા પેન્ડીંગ કામોની સમીક્ષા કરતા તાકીદ કરી હતી કે નાના નાના કામો ગ્રામપંચાયતો દ્વારા હાથ ધરવામાં આવે છે. કામો સમયસર પૂર્ણ ન થાય અને કામોમાં વિક્ષેપ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. પ્રજા હેરાન થાય તેવા કિસ્સામાં સરપંચો ઉપર પણ પગલા લેવાશે અને મંજૂર થયેલા કામો રદ કરાશે તો અમલીકરણ અધિકારી ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહે અમલીકરણ અધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ વર્ક ઓર્ડર આપી માર્ચ માસના અંત સુધીમાં બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. અગાઉના બાકી કામો અંગે સરપંચશ્રીઓ સાથે બેઠક કરી મુશ્કેલીઓનું નિવારણ કરવા કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.લેઉવાએ આયોજન મંડળના વિકાસ કામોની વિગતો આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના વિકાસ માટે તમામ તાલુકાઓમાં ડામર રસ્તો, સીસી રોડ,પેવર બ્લોક,પાણીની સુવિધા,બસ સ્ટેન્ડ, કંપાઉન્ડ વોલ,મજૂર કલ્યાણ કેન્દ્રનું કામ, સંરક્ષણ દિવાલનું કામ વિગેરે વિકેન્દ્રિત જિલ્લા આયોજન સબંધે તાલુકા આયોજન સમિતિ દ્વારા મળેલ દરખાસ્ત વર્ષ ૨૦૨૪-૨૫ના કામોની મંજૂરી આપવામાં આવી છે.

જેમાં નિઝર તાલુકાના ૪૦ કામો રૂ.૧૦૦ લાખ, કુકરમુંડા-૬૧ કામો રૂ.૧૨૫ લાખ, ઉચ્છલ ૬૦ કામો રૂા.૧૨૫ લાખ, વાલોડ ૪૩ કામો રૂા.૧૦૦ લાખ, સોનગઢ ૮૪ કામો રૂા.૧૫૦ લાખ,ડોલવણ ૫૩ કામો રૂા. ૧૨૫ લાખ, વ્યારા ૭૦ કામો રૂા.૧૨૫ લાખ, વ્યારા નગરપાલિકાના ૪ કામો રૂા.૨૫ લાખ અને સોનગઢ નગરપાલિકાના ૪ કામો રૂા.૨૫ લાખ મળીને કુલ ૪૧૯ કામો કુલ રૂા.૯૦૦ લાખના ખર્ચે વિકાસ કામો હાથ ધરાશે.

વધુમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૩-૨૪ ની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયા શરૂ ન થયેલા કામો ૩, વર્ષ ૨૦૨૧-૨૨ માં શરૂ ન થયેલા કામો ૨૪, વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨૧, વર્ષ ૨૦૨૩-૨૪ માં શરૂ ન થયેલા કામો કુલ-૪૮૪ થાય છે. આ બાકી કામો કોઈ વહીવટી, ટેકનીકલ મુશ્કેલીઓ અથવા જમીનના પ્રશ્નો અંગે સત્વરે નિકાલ લાવી પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

૧૭મી લોકસભા વર્ષ ૨૦૧૯-૨૦ હેઠળ વ્યારા, નિઝર અને ડોલવણ તાલુકા વિકાસ અધિકારીને ૬૦ કામોની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકી ૨૧ કામો પૂર્ણ અને ૨૩ કામો પ્રગતિ હેઠળ છે અને રૂા.૪૪.૯૨ લાખનો ખર્ચ થયેલ છે. વ્યારા તાલુકાના ૧૩ કામો રૂા.૧૦.૫૩ લાખના કામો પ્રગતિ હેઠળ છે. ડોલવણ તાલુકાના ૧૦ કામો રૂા.૮.૧૦ લાખના પ્રગતિ હેઠળ છે.

જિલ્લા આયોજન મંડળની બેઠકના નિરીક્ષક તરીકે શ્રી એમ.એમ. પટેલ, સંયુકત નિયામકશ્રી મુલ્યાંકન કચેરી, ગાંધીનગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી , નિવાસી અધિક કલેક્ટરશ્રી, નાયબ વનસંરક્ષકશ્રી, પ્રાયોજના વહીવટદારશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી, જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other