જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭- તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ,વ્યારા ખાતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સરકારી લેણાની બાકી વસુલાત સમયસર કરવા સહિતની વિવિધ કામગીરી સમયસર, ઝડપી અને સુચારું ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
તાપી સંકલન સમિતિની બેઠકમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો,ખાતાકિય તપાસ,એજી ઓડીટ બાકી પેરા, આગામી બે વર્ષમાં નિવૃત થનાર સરકારી કર્મચારીઓના પેન્શનના કેસો અંગે પણ તપાસ કરી તેની યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સાથે સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
સંકલન સમિતિની આ બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગલીયા, અધિક નિવાસી કલેક્ટર આર.આર બોરડ, વ્યારા પ્રાંત સાગર મોવાલીયા, નિઝર પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શ્રીમતિ કે.એસ.પટેલ સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦