આજે ૨૪મી જાન્યુઆરીના રોજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તાપીના અધ્યક્ષ સ્થાને “રાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે જિલ્લાકક્ષાએ “તેજસ્વિની પંચાયત” યોજાશે

Contact News Publisher

ગુજરાતમાં પ્રથમ વખત ૨૪ જાન્યુઆરીએ ૧ કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એક દિવસ આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવશે.
આજે એટલે કે, ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અનોખી રીતે ગુજરાત વિધાનસભા ખાતે બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રયાસ થકી દિકરીઓમાં રહેલ ડર દૂર થશે. દિકરીઓ પણ સત્તામાં મહત્વનો ભાગ ભજવી શકે છે તેવો તેમને અહેસાસ થશે. સાથે જ દિકરીઓ પણ રાજનીતિમાં આવીને સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપી શકશે. આ પ્રકારે વિધાનસભા ખાતે કરાયેલી બાલિકા દિવસની ઉજવણીથી દિકરીઓને જીવનમાં અનેક પ્રેરણાઓ મળશે.

જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ‘તેજસ્વિની જિલ્લા પંચાયત’ની સામાન્યસભાનું આયોજન મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી દ્વારા કલેક્ટશ્રીની કચેરી, સભાખંડ ખાતે બપોરે ૧૧.૪૫ કલાકે કરવામાં આવ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમમાં તાપી જિલ્લાની તેજસ્વિની જિલ્લા/તાલુકા ચેમ્પીયન દિકરીઓ, પુર્ણા યોજના હેઠળ આંગણવાડી કક્ષાની સખી – સહસખી દિકરીઓ તથા અન્ય દિકરીઓ સહભાગી થશે અને જિલ્લા સ્તરની તેજસ્વિની પંચાયતમાં દિકરીઓ જન્મ અને શિક્ષણ, પ્રજાતાંત્રિક મુલ્યોના પ્રચાર પ્રસાર અર્થે સશક્તિકરણ (મતદાન જાગૃતિ અભિયાન તથા ૫૦% મહિલા અનામત સ્થાનિક સ્વરાજમાં), આરોગ્ય અને પોષણ, જાતિગત સમાનતા તથા અધિકાર, સામાજિક દુષણો વગેરે જેવા મુદ્દાઓને લઇને દિકરીઓ દ્વારા ડિબેટ રૂપે ચર્ચા કરવામાં આવશે.

દેશની દિકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ તા.૨૪ જાન્યુઆરીને દિને સમગ્ર દેશમાં ‘આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે વિધાનસભાગૃહ ખાતે ૨૪ જાન્યુઆરીએ ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે અને તેમનામાં જાગૃતતા આવે તેવા હેતુસર બાલિકાઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના સભ્યની જેમ જિલ્લા પંચાયતની સામાન્યસભાનું સંચાલન દિકરીઓ કરશે.

ઉપસ્થિત પદાધિકારીઓના હસ્તે દિકરીઓના નામની નેમપ્લેટ, દિકરીઓના નામે પોષણ વાટિકા, વ્હાલી દિકરી યોજનામાં મંજુરી હુકમનું વિતરણ, દિકરી વધામણાં કીટનું વિતરણ, બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ જિલ્લાની સર્વોત્તમ કામગીરી અંગે રજુઆત, પ્રતિજ્ઞા વાંચન વગેરે કરવામાં આવશે.

00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other