કીમ કેન્દ્ર આયોજીત આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુડસદ પ્રાથમિક શાળા ચેમ્પિયન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કીમ કેન્દ્ર દ્વારા આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટ KPL-4 નું આયોજન અણીતા ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓ કીમ, કુડસદ, મુળદ, આશિયાનાનગર, કઠોદરા તથા સ્યાદલા પ્રાથમિક શાળાનાં બાળકોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં નાણાંમંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ તથા અણીતા ગામનાં સરપંચ રમેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ટુર્નામેન્ટનાં લીગ રાઉન્ડ બાદ ફાઈનલ મેચ કીમ પ્રાથમિક શાળા અને કુડસદ પ્રાથમિક શાળા વચ્ચે રમાઈ હતી. જેમાં કીમ ઈલેવને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 7 ઓવરમાં 45 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટાર્ગેટને કુડસદ ઈલેવને 5 વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કર્યો હતો. આમ સદર ટુર્નામેન્ટમાં કુડસદ પ્રાથમિક શાળા ચેમ્પિયન બની હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં કુડસદ પ્રાથમિક શાળાનાં બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં પ્રેમ વસાવા, કરણ વસાવા, સાગર રાઠોડ તથા શિવ રાઠોડે અનુક્રમે બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેસ્ટમેન તથા મેન ઓફ ધ મેચનો ખિતાબ હાંસલ કર્યો હતો. જ્યારે મેન ઑફ ધ સિરિઝ તરીકેનો ખિતાબ કીમ પ્રાથમિક શાળાનાં કેપ્ટન જયહિંદ હરિજને મેળવ્યો હતો.
પ્રારંભે કીમનાં કેન્દ્ર શિક્ષક દિનેશભાઈ પટેલે સૌ ખેલાડીઓ, શિક્ષકો તથા મુખ્ય મહેમાનોને શબ્દગુચ્છથી આવકારીને ટુર્નામેન્ટ અંગેની છણાવટ સાથે ભાગ લેનાર તમામ ટીમને પ્રોત્સાહિત કરી હતી. ટુર્નામેન્ટનાં અંતે દાતાઓ બિપીનભાઇ વ્રજલાલ પારેખ તથા સુધાબેન ગોપાલભાઈ પટેલનાં હસ્તે સમસ્ત ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન શિવાજીનગર પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક સતિષભાઈ પરમારે કર્યુ હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવા શિક્ષકો સર્વશ્રી ભૂપેન્દ્ર પટેલ, પિનાકીન પટેલ, ભરત પટેલ તેમજ આકાશ પટેલે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.