દાદા ભગવાન મંદિર, કામરેજ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિ. પ્રા. શિક્ષણાધિકારીઓનો વિદાય તથા આવકાર સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કામરેજ ચાર રસ્તા સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લામાંથી બદલી પામી વિદાય લેતાં તેમજ આવકાર લેતાં પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સત્કારવાનો દ્વિવિધ કાર્યક્રમ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી સતિષભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
મંચસ્થ મહાનુભાવોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. આ તકે તેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપકભાઇ આર.દરજી કે જેઓ બદલી સાથે બઢતી પામી નાયબ નિયામક (યુનિવર્સિટી), ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર ખાતે નિયુક્ત થયેલ છે જ્યારે નર્મદા જિલ્લામાંથી બદલી પામી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો પદભાર ગ્રહણ કરનાર જયેશભાઇ એમ.પટેલ એમ બંને મહાનુભવોનાં ઉમદા વ્યક્તિત્વને વાગોળીને તેઓનાં કુશળ વહીવટની સરાહના કરી હતી. આ પ્રસંગે બંને મહાનુભવોને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સત્કારવામાં આવ્યા હતાં. આ સાથે જિલ્લા સંઘ તથા તમામ તાલુકા ઘટક સંઘ દ્વારા તેમને વિવિધ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતાં.
પોતાનાં પ્રતિભાવમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપકભાઇ દરજીએ તેમનાં કાર્યકાળ દરમિયાન અંગત મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પોતાનાં વહીવટમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રીઓ ઉપરાંત અન્ય અધિકારી-પદાધિકારીઓનો અપેક્ષિત સાથ સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લાનાં નવનિયુક્ત પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ એમ.પટેલે પોતાનાં પ્રતિભાવમાં શિક્ષણ અને શિક્ષકનાં હિતમાં એક ટીમ બની કાર્ય કરવાની ખાતરી આપી હતી.
અધ્યક્ષસ્થાનેથી બોલતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી સતિષભાઈ પટેલે શિક્ષણનાં વિવિધ પ્રવાહો, છેવાડાનાં જરૂરિયાતમંદ બાળકો સુધી શિક્ષણનો લાભ, શિક્ષણની વિવિધ યોજનાઓનું અમલીકરણ જેવાં ઉમદા વિઝન માટે ડો.દિપકભાઇ દરજીની હકારાત્મક દ્ષ્ટિની પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે નવનિયુક્ત પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલની સંકલન ભાવના અને તેમની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તથા જિલ્લાનાં તમામ બી.આર.સી. કો-ઓર્ડિનેટરો હાજર રહ્યાં હતાં. અંતમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ આભારવિધિ આટોપી હતી. કાર્યક્રમનું આરંભથી અંત સુધીનું સંચાલન યાસીન મુલતાનીએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ સિરાજ મુલતાની તેમજ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.