તાપી જિલ્લામાં PM-JANMAN અભિયાન અંતર્ગત જનજાગૃતિ કેમ્પનું આયોજન
વિવિધ ગામોમાં યોજનાકિય લાભોનું હાથો હાથ વિતરણ: ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત વિવિધ કર્મચારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ, સરપંચશ્રીઓ,ગામના આગેવાનોની સક્રિય ભાગીદારી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૨- તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં આદિમ જૂથના પરિવારોની ચાલી રહેલ સર્વેની કામગીરીમાં ગ્રામ્ય કક્ષાએ જનજાગૃતિ કેમ્પનું આયોજન જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ તથા પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયાના સચોટ માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ વિભાગો દ્વારા સર્વેની પ્રક્રિયાની સાથે સાથે લાભોથી વંચિત ગ્રામજનોને હાથો હાથ લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ કેમ્પ દરમિયાન આદિમજુથ જાતિના લાભાર્થીઓને સરકારશ્રીના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી યોજનાઓ જેવી કે, જાતિ પ્રમાણપત્ર, આધારકાર્ડ, રેશનકાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજના, વિધવા સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, મેડિકલ કેમ્પ, નવા વીજ જોડાણ જેવા લાભ સ્થળ ઉપર જ આપવામાં આવી રહ્યા છે.
આ સર્વેની પ્રક્રિયામાં ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, ડીજીવીસીએલ, પુરવઠા વિભાગ સહિત વિવિધ કર્મચારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો સક્રિય ભાગીદારી નોંધાવી ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છે.
આ સાથે વિવિશધ સ્થળોએ શાળાના બાળકો દ્વારા નુક્કડ નાટક, જનજાગૃતિ રેલીના આયોજનની સાથે યોજનાકિય મટીરીયલનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
તાપી જિલ્લા તંત્ર દ્વારા તમામ આદિમજુથ જાતિના લોકોને PM-JANMAN મિશનમાં સહભાગી થઇ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
00000