સુરત જિલ્લાનાં ભાંડુત ગામનાં યુવા શિક્ષક ડો. ધર્મેશ પટેલે બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં ડો. ધર્મેશ પટેલને પોતાની અવનવી સિદ્ધિઓનાં પરિપાકરૂપે તાજેતરમાં બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં હાલ આચાર્ય તરીકે ફરજ બજાવતાં ડો. ધર્મેશ પટેલે અનેકવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં પોતાની કાબેલિયત દાખવી આજપર્યંત અનેક સિધ્ધિ મેળવી 101 જેટલાં મેડલ મેળવી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં એમણે 125 થી વધુ સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે. મેરેથોન અને ટ્રેકિંગમાં નવી ઊંચાઈઓ સર કરી છે. વર્ષ 2023 માં તેમને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા બેસ્ટ ટીચર્સ એવોર્ડ પણ એનાયત થયેલ છે.
તેમણે પોતાની સખત મહેનત, દ્રઢતા અને આત્મવિશ્વાસ સાથે ઈન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે ગૌરવપ્રદ સ્થાન અંકિત કરેલ છે તે બદલ જિલ્લાનાં શિક્ષણ આલમમાં આનંદની લહેર પ્રસરી જવા પામેલ છે. તેમની અભૂતપૂર્વ સિદ્ધિને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, કોબા ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલ સહિત સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ તથા શાળા પરિવારે બિરદાવીને અભિનંદન પાઠવ્યાં હતાં.