દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી ચિંતા કરી છે. સમય આવ્યે આપણે કર્તવ્ય નિભાવીએ – ધારાસભ્ય શ્રી ડો.જયરામભાઈ ગામીત
સોનગઢ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું
સાર્વજનિક હાઈસ્કુલ સોનગઢ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૧- તાપી જિલ્લાના સોનગઢ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા સોનગઢનગરજનોએ પારંપારિક ચાંગ્ય ઢોલ સાથે યાત્રાને ઉમળકાભેર વધાવ્યો હતો. નિઝર ધારાસભ્ય ડો.જયરામભાઈ ગામીતના અધ્યક્ષપણાં હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
ભારત સરકાર તથા ગુજરાત સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યને સાકાર કરતા ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી ચિંતા કરી છે. આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા પુરી પાડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત રૂપિયા ૧૦ લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. વળી કોરોના જેવી મહામારીમાં ગરીબો માટે વિનામૂલ્યે અન્ન યોજના સરકારે શરૂ કરી હતી. જેને હજુ બીજા પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે.
આજે વિકસિત ભારત યાત્રાની સાથે સાથે વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુ પણ યોજાયો છે. ત્યારે જે લોકો સરકારની યોજનાઓના લાભથી વંચિત રહી ગયા હોય તેમણે આજે જ સેવાઓનો લાભ લેવાનો છે. યોજનાઓના નિયત ફોર્મ આજે અહીં જ ભરવાના છે. તમામ લાભાર્થીઓને સો ટકા લાભ આપવાની મોદી સરકારની ગેરંટી છે. કોરોના સમયમાં મફત વેકિસન આપવામાં આવી હતી. જે બીજા દેશમાં પૈસા આપીને લેવી પડતી હતી. જે લોકો પ્રધાનમંત્રી આવાસ,ઉજવલા યોજના,કિસાન સન્માન નિધિ વિગેરે લાભથી વંચિત હોય તેમણે તેમજ સેવાસેતુને લગતા આવક-જાતિના દાખલાઓ, જન્મ નોંધણી વિગરે કરાવવા ઈચ્છતા લોકો આ સેવાઓનો લાભ લઈ શકે છે. આપણાં દેશને વિકસિત દેશોની હરોળમાં લઇ જવા માટે તથા સ્વચ્છ ભારત માટે સંકલ્પબધ્ધ થઈએ. સરકારે આપણી ખૂબ ચિંતા કરી છે જેથી સમય આવ્યે આપણે પણ કર્તવ્ય નિભાવીએ.
સોનગઢ નગર પાલિકા ચીફ ઓફિસર ધર્મેશ ગોહેલે સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે સોનગઢ નગરમાં આજે બે કાર્યક્રમો વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા અને સેવાસેતુનો લાભ મળ્યો છે ત્યારે નગરજનોએ અચૂક લાભ લેવો જોઈએ. આ વેળાએ યુનિક વિદ્યાભવનના બાળકોએ સ્વચ્છતાના સંદેશ સાથે નાટક રજુ કર્યું હતું. યોજનાકિય લાભ મળેલ લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી ઝુબાની’ દ્વારા પોતાના મંતવ્યો રજુ કરી સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. તમામ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે યોજનાકિય લાભ કીટ્સ,ચેક વિગેરે અર્પણ કરાયા હતા.રાજ્યમાં કબડ્ડીની રમતમાં તાપી જિલ્લા સોનગઢનું નામ રોશન કરતા ખેલાડીઓને પુરસ્કૃત કરાયા હતા. કાર્યક્રમાં ઉપસ્થિત તમામ લોકોએ પ્રધાનમંત્રીશ્રીના સંદેશનું પ્રસારણ નિહાળ્યું હતું. તમામ લોકોએ સ્વચ્છતાના સંકલ્પ સાથે આત્મનિર્ભર બની ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત નિર્માણના સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે માજી નગર પ્રમુખ ટપુભાઈ ભરવાડ,જિગ્નેશભાઈ દોણવાલા,મયંકભાઈ જોષી,હેમંતભાઈ મહેતા,મદદનીશ ઉદ્યોગ કમિશ્નર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર ડી.ડી.સોલંકી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦