ધારાસભ્યશ્રી મોહનભાઇ કોકણી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહની ઉપસ્થિતમાં વ્યારા કોલેજ ખાતે સુર્યનમસ્કારનો ભવ્ય કાર્યકમ યોજાયો
ગુજરાત રાજ્યે સૂર્યના પહેલા કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો: તાપી જિલ્લો બન્યો સહભાગી
–
‘યોગએ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે. તાપી જિલ્લાને યોગ ક્ષેત્રે અગ્રેસર બનાવીએ.’-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.01: નવા વર્ષે સૂરજની પહેલી કિરણ સાથે ગુજરાતે સૂર્યનમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે તાપી જિલ્લો પણ આ સિદ્ધિમાં સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. તાપી જિલ્લામાં નવા વર્ષેની પહેલી પ્રભાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોકણી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહની ઉપસ્થિતમાં વ્યારા સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સામુહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમનું ભવ્ય આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ તાપી દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,નવા વર્ષના પહેલી પ્રભાતે સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજ્યએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની થીમ સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ બનાવ્યો છે.
ડીડીઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, યોગએ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે.કાળક્રમે યોગના મહત્વને આપણે સૌ ભુલ્યા હતા. પરંતું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્રિય પ્રયાસોથી યુનો દ્વારા 21મી જુનને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરાતા સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ સમજી તેની ફરી જીવનમાં અપનાવતા થયા છે. યોગ થકી તન અને મન તદુરસ્ત રહે છે. તંદુરસ્ત માનવી જ દેશના વિકાસમા સક્રિય ભાગીદારી નોંધાવી શકે છે. ત્યારે યોગને આપણા જીવનમાં અપનાવી અન્યને પણ યોગના મહત્વ સમજાવવા તાપી જિલ્લાને યોગ ક્ષેત્રે અગ્રેસર બનાવીએ એમ સૌને અનુરોધ કર્યો હતો.
તાપી જિલ્લાના સુર્યનમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સામુહિક સુર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળી વિશ્વ સ્તરે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારવાના કાર્યક્રમમા સહભાગી થયા હતા.
સૂર્ય એટલે ઊર્જાનો સ્ત્રોત ત્યારે ગરવી ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી હતી. સૂર્ય નમસ્કાર, જેને ‘ધ અલ્ટીમેટ આસન’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જેથી ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે. આવા તો અનેક ફાયદાઓ છે સૂર્ય નમસ્કારના, ત્યારે તાપી જિલ્લાના યોગ સાધકો, યોગ ટ્રેનર, યોગ કોર્ડીનેટર તથા યોગ કોચ સહિત સૌએ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો મળી ૧૧ સૂર્ય નમસ્કાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ, પ્રાંત અધિકારીશ્રી સાગર મોવાલીયા. જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.લેઉવા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત તથા તેઓના ક્ર્મચારીશ્રીઓ, નગરના વિવિધ પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, અન્ય વિભાગના અધિકારીશ્રીઓ, યોગ સાધકો, ડીએલએસએસ, દક્ષિણાપથ સ્કુલ, તથા વ્યારા કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
000000