સુરતની ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ તથા માનવ સેવા સંઘનાં સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત શહેરની નાનપુરા સ્થિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત
ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ તથા માનવ સેવા સંઘ- ‘છાંયડો’નાં સંયુક્ત ઉપક્રમે શાળાનાં પ્રાંગણમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન ગતરોજ સવારે 8:00 થી બપોરે 2:00 કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનાં ઉદઘાટન સમારંભમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડનાં પરીક્ષા નિયામક મહેશકુમાર રાવલ,જિલ્લા શિક્ષણાધિકારી ડો. ડી.આર.દરજી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં ચેરમેન ભરતભાઈ શાહ,શાળા વહીવટી સમિતિનાં ચેરમેન અજીતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ મહાનુભાવોએ પ્રેરક ઉદબોધન થકી વિદ્યાર્થીઓમાં સામાજીક અને સેવાકીય ભાવનાનો વિકાસ થાય તે માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
શાળાનાં આચાર્ય સી.ડી. પટેલ, કન્વીનર શિક્ષકો સર્વશ્રી આર.ડી.સોલંકી, દેવેશ પટેલ, ધનવંતીબેન, શાળાનાં અન્ય શિક્ષકો તેમજ શાળાનાં વિદ્યાર્થીઓની કેમ્પેઇન ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં 107 બોટલ એકત્ર કરી અભિયાનને ખૂબ જ મોટી સફળતા અપાવી હતી.
કેમ્પનાં સમાપન સમારંભમાં શાળાનાં આચાર્ય સી.ડી. પટેલે છાંયડો, સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ, શાળાનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ સ્વયં પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલ આ રક્તદાન શિબિર માટે પ્રેરણા આપનાર છાંયડો સંસ્થાનાં પ્રમુખ ભરતભાઈ શાહ સહિત શાળા વહીવટી સમિતિનાં અધ્યક્ષ અજીતભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.