તાપી જિલ્લા કલેકટર શ્રી ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં ‘સુશાસન દિવસ’ ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ
મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ઉદબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળતા જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ
–
જિલ્લાકક્ષાની ઉજવણીમાં ડીડીઓશ્રી શાહ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહભાગી થયા
–
સ્વચ્છતા ઝુંબેશ સંદર્ભે વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરતા ઉચ્ચ અધિકારીઓ
–
નવતર અને હકારાત્મક અભિગમો સાથે જન સેવા માટે સમર્પિત તાપી જિલ્લો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા અને મુખ્ય સચિવ શ્રી રાજકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે “સુશાસન દિવસ” ની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ જિલ્લા કલેકટર શ્રી ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં “સુશાસન દિવસ”ની જિલ્લા કક્ષાની ઉજવણી કલેકટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવી હતી.
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન દિવંગત શ્રી અટલજીની જન્મ જયંતી નિમિત્તે તેમની સ્મૃતિમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે જન સેવા માટે પારદર્શક અને હકારાત્મક અભિગમ અપનાવી પ્રજાકલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને ગુણવત્તાસભર સુવિધા પ્રદાન કરવા માટેના મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ઉદબોધનને તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લા વહિવટી તંત્ર પણ જીઈએમ પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી કરીને ગુડ ગવર્નન્સનું પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યું છે. આ તકે લોકોને વધુ બહેતર સુવિધા પ્રદાન કરવા માટે તેમજ પોતાની કચેરીની સાફાસફાઈ , રેકર્ડ રૂમની સાફ-સફાઈ જાહેર શૌચાલય,જાહેર જગ્યાઓની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કલેકટર શ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નોંધનીય છે કે, પારદર્શક સેવાઓથી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે જે તાપી જિલ્લાના કુશળ સુશાસનને ચિન્હિત કરે છે.
સુશાસન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે ઉચ્ચ અધિકારીઓએ વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ સહિત કરવામાં આવેલી પડતર તુમાર નિકાલ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી, રેકર્ડ રૂમની સાફ-સફાઈ, નિભાવણી, જાળવણી સહિતની ઉત્કૃષ્ટ કામગીરીને બેસ્ટ, એમર્જિંગ અને એસ્પાયરીંગ કેટેગરીમાં પ્રશસ્તિપત્ર આપીને બિરદાવ્યું હતું. જેમાં બેસ્ટ કેટેગરી તરીકે પ્રથમ ક્રમે સબ રજીસ્ટાર કચેરી-વ્યારા,બીજા ક્રમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી -તાપી તથા ત્રીજા જિલ્લા તિજોરી કચેરી તાપી ને પ્રશસ્તિપત્ર આપી બીરદાવામાં આવ્યા હતા.
સુશાસન દિવસ નિમિત્તે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં નાગરિકોને ઉપલબ્ધ કરાતી સુવિધાને વધુ અસરકારક બનાવવા માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય સહિતના વિભાગો દ્વારા તૈયાર કરાયેલી પાંચ એપ્લિકેશનને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં રેશનકાર્ડ સંબંધી સેવા માટે ફેસ ઓથેન્ટિકેશન સુવિધાઓ, મહિલા સુરક્ષા એપ તેમજ આંગણવાડી વિઝિટ ટ્રેકર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ તકે, સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવાઈ હતી.
૦૦૦