તાપી જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો/શ્રમિકોને નવા બારકોડેડ રેશનકાર્ડ માટે ફોર્મ નં.૨ ભરવા તથા ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોને રેશનકાર્ડનું મેપિંગ કરાવી લેવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪ તાપી જિલ્લાનાં ઈ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો/શ્રમિકોને જણાવવા જોગ સંદેશ પાઠવવામાં આવે છે કે, જો તેઓ બારકોડેડ રેશનકાર્ડ ધરાવતા હોય અને રેશનકાર્ડમાં અનાજનો જથ્થો મેળવતા હોય તો સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક કરી રેશનકાર્ડનું મેપિંગ કરાવી લેવું. ઈ-શ્રમ કાર્ડ ધરાવતા હોય પરંતુ રેશનકાર્ડમાં અનાજનો કોઈ જથ્થો ન મળતો હોય તો “મા અન્નપૂર્ણા યોજના” હેઠળ અરજી ફોર્મ સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી મેળવી જરૂરી પુરાવા સાથે રજૂ કરવાના રહશે.
જો પાત્રતા ધરાવતા હશે તો ઈ-શ્રમ કાર્ડધારકોનો “મા અન્નપૂર્ણા યોજના” હેઠળ સમાવેશ કરવામાં આવશે તથા ઈ-શ્રમ કાર્ડ ધરાવતા હોય પરંતુ રેશનકાર્ડ ન હોય તો સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે ફોર્મ નં.2 ભરવું. ઈ-શ્રમ કાર્ડ હોય પરંતુ ગુજરાત સિવાય અન્ય રાજ્યનું રેશનકાર્ડ ધરાવતા હોય તો નજીકની મામલતદાર/ ઝોનલ કચેરીનો સંપર્ક કરવો, જેની તાપી જિલ્લાનાં તમામ ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિક કામદાર ભાઈઓ/ બહેનોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
વધુમાં મામલતદાર કચેરી માંથી ટેલીફોનિક માહિતી માંગવામાં આવે તો ઈ-શ્રમ કાર્ડધારકોએ તેવી માહિતી આપવી. તેમજ કોઈ પણ જાતની પુછપરછ અથવા વધુ માહિતી માટે સંબંધિત મામલતદાર કચેરી/તાપી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, કલેક્ટર કચેરી, બ્લોક નં. ૨, જિલ્લા સેવા સદન, પાનવાડી, જિ.તાપી ખાતે રૂબરૂ સંપર્ક કરવો. અથવા મોબાઇલ નંબર- ૬૩૫૨૫ ૮૯૪૬૪ ટેલિફોનિક સંપર્ક સાધવાનો રહશે એમ તાપી જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદિમાં જણાવ્યું છે.
0000