સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટમાં કામરેજ તાલુકો ટીમ ચેમ્પિયન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બારડોલી તાલુકાની બાલદા પ્રાથમિક શાળાનાં પટાંગણમાં યોજવામાં આવી હતી. જેમાં 9 તાલુકાનાં શિક્ષકોની 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સદર ટુર્નામેન્ટનું ઉદ્ધઘાટન બારડોલી તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ બિપીનભાઈ ચૌધરી, રજવાદ ગામનાં સરપંચ સંદિપભાઈ ચૌધરી તથા સંગઠનનાં હોદ્દેદારોનાં સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બળવંતભાઈ પટેલ, રીના રોઝલીન ક્રિશ્ચિયન, ઇમરાનખાન પઠાણ, પ્રવિણ ત્રિવેદી, અનિલ ચૌધરી, અશોકભાઈ, વિશ્વજીતભાઈ ચૌધરી, એરીકભાઈ ખ્રિસ્તી, તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ટુર્નામેન્ટનાં લીગ રાઉન્ડ બાદ પ્રથમ સેમી ફાઈનલ માંડવી અને કામરેજ તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં કામરેજ તાલુકાની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમી ફાઇનલ પલસાણા અને માંગરોલ તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં પલસાણાની ટીમ વિજેતા બની હતી. અંતે ફાઇનલ મેચમાં કામરેજ અને પલસાણા તાલુકાની ટીમ ટકરાઈ હતી. આ રસાકસીભર્યા મુકાબલામાં કામરેજ તાલુકાની ટીમે બાજી મારી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો. ચેમ્પિયન ટીમ કામરેજ તેમજ રનર્સઅપ ટીમ પલસાણાને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળવંતભાઈ પટેલ, કુમેદભાઈ ચૌધરી, આશિષભાઈ તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.