ડાંગ જીલ્લામાં વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. ૫ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સમગ્ર વિશ્વની અંદર જમીનની સ્વાસ્થ અને ફળદ્રુપતા જળવાઈ તે માટેની જાગૃતતા લાવવા વિશ્વ જમીન દિવસ ઉજવાવામાં આવે છે. ડાંગ જીલ્લામાં આ ઉજવણીના ભાગ રૂપે જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ (ડાંગ) દ્વારા આહવા તાલુકાનાં સતી ગામ ખાતે કાર્યક્ર્મ ૫ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર્ના વડા ડો. જે. બી. ડોબરિયા દ્વારા શરૂઆતમાં જમીનનું મહત્વ તેમજ જમીનનું ધોવાણ કઈ રીતે અટકાવી શકાય એ બાબતે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી ત્યાર બાદ સતી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈ સી. ગામિતે પોતાના ગામના ખેડૂતોને જમીનના કાર્યક્ષ્મ ઉપયોગ વિષે પોતાના જાત અનુભવો કહ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર્ના વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) ડો. પ્રતીક પી. જાવિયા દ્વારા જમીનની તંદુરસ્તી તેમજ જમીનમાં સેંદ્રિય પદાર્થ કઈ રીતે જાળવી રાખવો, તેના માટે ક્યાં ક્યાં ઉપાયો કરવા જોઈએ તેમજ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે યોગ્ય પ્રમાણમાં ગુણવતા યુક્ત છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવા જણાવેલ હતું. આપડા તથા ગુજરાતનાં અન્ય જિલ્લામાં જમીન ચકાસણી કરવામાં આવે છે તેની જાણકારી પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માટીનો નમૂનો ખેતરમાથી કઈ રીતે લેવો તેનું પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવ્યું હતું. જેથી ખેડૂતોને સરળતાથી સમજાય શકે. આ કાર્યક્રમમાં સતી ગામના કુલ ૩૦ જેટલા ભાઈઓ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો.