નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે યોજાયેલ CPR તાલીમમાં ઓલપાડ સહિત જિલ્લાભરનાં પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો
વ્યકિતનું મૂલ્યવાન જીવન બચાવવા શિક્ષકો મદદરૂપ બને એ જ CPR તાલીમનો મૂળભૂત હેતુ : વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં રાજ્યભરમાં નાની ઉંમરનાં બાળકો અને યુવાનોને કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકનાં કિસ્સાઓ વધી રહ્યાં છે ત્યારે આવી ઘટનાઓ રોકવા રાજ્ય સરકારે ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ ગુજરાતનાં સહયોગથી રાજ્યની મેડીકલ કોલેજનાં ડીન અને તબીબોની ઉપસ્થિતિમાં રાજ્યભરની શાળાઓમાં કાર્યરત શિક્ષકોને CPR તાલીમ આપવાનું આયોજન હાથ ધરેલ છે. જેનાં ભાગરૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, સુરત દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર પ્રથમ તબક્કામાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષકો સહિત જિલ્લાભરનાં સી.આર.સી. તથા બી.આર.સી કો-ઓર્ડિનેટરોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને સહર્ષ તાલીમ લીધી હતી.
શહેરની નવી સિવિલ હોસ્પિટલનાં ઓડિટોરિયમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં સદર તાલીમનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ડોક્ટર સેલનાં પ્રમુખ ડો. વિરેન્દ્ર મહીડા, ઉપપ્રમુખ ડો. ચેતન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપકભાઇ દરજી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ સહિત નામી-અનામી મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
સદર તાલીમનાં નોડલ અધિકારી એવાં ઓલપાડ તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે એક વાતચીતમાં CPR એટલે કે કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન એક જીવ બચાવનારી ઇમરજન્સી પ્રક્રિયા છે જે ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈનાં શ્વાસ અથવા ધબકારા બંધ થઈ જાય છે. ડૂબવું, ઇલેક્ટ્રિક શોક, હાર્ટ એટેક જેવી આ કટોકટી પછી તાત્કાલિક CPR આપવાથી વ્યક્તિની બચવાની શક્યતા બે થી ત્રણ ગણી વધી જાય છે. પ્રથમ તબક્કાની તાલીમ ઓલપાડ તાલુકાના 230 જેટલાં શિક્ષક ભાઈ-બહેનો જોડાયા હતાં.
ખૂબ જ ઉત્સાહભેર આ યજ્ઞકાર્યમાં જોડાયેલાં જિલ્લાભરનાં શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપકભાઇ દરજીએ અભિનંદન પાઠવ્યા હતાં. તાલીમને સુપેરે પાર પાડવા એનેસ્થેસિયા ટીમ સહિત સિવિલ હોસ્પિટલની ટીમે જહેમત ઉઠાવી હતી એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.