પવન સખીમંડળને યોજનાનો લાભ મળ્યો અને સખીમંડળની બહેનો આત્મનિર્ભર બની
મેરી કહાની મેરી જુબાનીઃ- તાપી
–
દુકાન, ઈંટ બનાવવી, માટલા બનાવવા તેમજ દરજીકામ જેવા નાના કામોથી મહિલાઓએ પોતાની નવી ઓળખ ઉભી કરી. ફુલવંતીબેન સંતોષભાઈ પાડવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૨- મેરી કહાની મેરી જુબાની અંગે રૂમકીતલાવ ગામના પવન સખી મંડળના પ્રમુખ ફુલવંતીબેન સંતોષભાઈ પાડવી મહિલાઓના આર્થિક વિકાસ માટે તત્પર છે. પહેલા તેમને કેવી રીતે વિકાસ કરવો અથવા બે પૈસાની આવક ક્યાંથી થાય તે વિશે કોઈ સમજ ન હતી. ગ્રામ પંચાયતમાં સરકારશ્રીની યોજનાઓ વિશે તેમણે માહિતી મેળવી અને સંપર્ક કર્યો ગ્રામ વિકાસ વિભાગનો ત્યારબાદ તેમણે પોતાના ગામની મહિલાઓને એકજુથ કરી સખી મંડળની સ્થાપના કરી. ઉત્સાહી મહિલાઓનો સંપર્ક કરી મિશન મંગલમમાં જોડાયા. આ સખી મંડળને જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ તાપી દ્વારા ભારત સરકારની મિશન મંગલમની યોજનામાં રીવોલ્વીંગ ફંડ મળ્યું અને બહેનો માટે વિકાસના દ્વાર ખુલી ગયા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન રૂમકીતલાવ ગામે ફુલવંતી બહેને યોજનાથી લાભ મેળવી કેવી રીતે પ્રગતિ કરી આત્મનિર્ભર બન્યા તેની કહાની રજુ કરી ત્યારે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગ્રામજનોએ તેમને બિરદાવ્યા હતા. પવન સખી મંડળના ૧૦ બહેનોએ રીવોલ્વીંગ ફંડમાંથી ૧૦ હજાર રૂપિયા મળ્યા. ત્યાર બાદ ૧.૫ લાખ લોન સહાય તરીકે મેળવી પ્રત્યેક બહેનોએ આ મુળીમાંથી નાનો ધંધો/રોજગાર શરૂ કર્યો. આ બહેનોએ દુકાન કરી,ઈંટ બનાવવી,માટલા બનાવવા તેમજ દરજીકામ કરવાનું શરૂ કર્યું. આજે આ તમામ બહેનો આર્થિક રીતે સધ્ધર થયા છે. બહેનોમાં જાગૃતિ આવી અને બીજી કઈ કઈ યોજનાઓ મળી શકે છે તેની પણ માહિતી મેળવી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ લાભ લીધો. આમ ‘બહુજન હિતાય બહુજન સુખાય’ ઉક્તિને ફુલવંતી બહેનના સખી મંડળે સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.
૦૦૦૦૦૦૦૦