દિવાળી વેકેશન પૂર્ણ થતાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ પુનઃ બાળકોની કિલકારીથી ધમધમી ઉઠી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં દિવાળીની ૨૧ દિવસની રજાઓ જાહેર કરવામાં આવી હતી. જે રજાઓ પૂર્ણ થતાં આજરોજ રાજ્યભરની શાળાઓ સહિત સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ પણ રાબેતા મુજબ શરૂ થઈ હતી. દિવાળીની રજાઓનો ભરપૂર આનંદ માણીને આવેલાં બાળકોની કિલકારીઓથી શાળાઓનાં કેમ્પસ પુનઃ ધમધમી ઉઠ્યા હતાં.
આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય સહિત નિર્ધારિત ઈતર શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. તેમણે ઉમેર્યુ હતું કે હાલ ચીનમાં એક ગંભીર બિમારીએ દેખા દીધી છે જેનાં સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યાં છે ત્યારે સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનને અનુસરી જરૂરી તકેદારી રાખવા વાલીઓ તથા શિક્ષકોને તાલુકા ઘટક સંઘ દ્વારા સૂચિત કરવામાં આવેલ છે.
આ સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરી સહિત જિલ્લા તથા તાલુકા ઘટક સંઘનાં હોદ્દેદારો ઉપરાંત તમામ બી.આર.સી. કો-ઓર્ડિનેટરોએ બાળકો તેમજ શિક્ષકોને નવા શૈક્ષણિક સત્રની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.