વાલોડમાં ડોર ટુ ડોર આયુર્વેદિક ઉકાળાનું કરાયું વિતરણ : સેનિટાયઝર તથા માસ્ક પણ અપાયા

Contact News Publisher

“કોરોના” સામેના જંગમાં પ્રજાકીય જાગૃતિ માટે તંત્ર પ્રયાસરત :

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તા: ૨૩: વૈશ્વિક મહામારી “કોરોના” ના સંક્રમણથી પ્રજાજનોને બચાવી શકાય, અને આ બાબતે પ્રજાજનોમાં વ્યાપક જનજાગૃતિ કેળવી શકાય તે માટે, તાપી જિલ્લા પંચાયત હસ્તકની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લાના વાલોડ ખાતે ડોર ટુ ડોર આયુર્વેદિક ઉકાળાનું મોટે પાયે વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના આયુષ વિભાગની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા વાલોડ તાલુકાના જામણિયા તથા દેલવાડાના આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસરો સહિત વાલોડના “સંવેદના” ટ્રસ્ટના સહયોગથી, ડોર ટુ ડોર ઉકાળાનું વિતરણ કરવા સાથે, સેનિટાઈઝર અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આયુર્વેદ શાખા તરફથી મળેલી વિગતો અનુસાર વાલોડ નગરમાં ડોર ટુ ડોર “સ્વાસ્થ્ય અમૃત પેય” ઉકાળાનું વિતરણ કરવા ઉપરાંત તાલુકા પંચાયત સેવા સદન, તાલુકા સેવા સદન, પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત કાર્યાલય, સામુહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા હેલ્થ ઓફિસ વિગેરે સ્થળોએ પણ આ ઉકાળાનું વિતરણ કરાયું હતું.

અંદાજીત ૪૦૦૦ વ્યક્તિઓને ઉકાળો પીવડાવવા સાથે “સંવેદના” ટ્રસ્ટના સહયોગથી નગરજનોને સેનિટાઈઝર તથા માસ્કનું પણ મોટે પાયે વિતરણ કરાયું હતું. સાથે ઉકાળો બનાવવા માટેના ૫૦૦ જેટલા સૂકા પેકેટ્સનું વિતરણ કરી ઉકાળો બનાવવાની રીત શીખવવા સાથે ઘરગથ્થું ઉપચાર પદ્ધતિની સમજ પણ આપવામાં આવી હતી.

આમ, વાલોડ ખાતે “કોરોના” ના કહેર વચ્ચે પ્રજાકીય સ્વાસ્થ્યની જાળવણી અને સૌની સલામતી સાથે, વ્યાપક જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *