ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને વ્યારા તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩નો શુભારંભ
રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ – તાપી જિલ્લો
–
કૃષિલક્ષી જ્ઞાનનુ ભાથું લઇ પોતાની ખેતીમાં તેનો અમલ કરીએ, ખેડૂતો ઝેરમુક્ત ખેતી અને વધુ ઉત્પાદન કરતા થાય તેવી લાગણી વ્યકત કરતા ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી
–
ખેડૂતોને રવિ પાક વિશે, શ્રી અન્ન (મિલેટ્સ), પ્રાકૃતિક ખેતી, આધુનિક ટેકનોલોજી જેવી કૃષિલક્ષી માહિતી અપાઈ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪ રાજયના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રીકતા ખેડુતો સુધી પહોંચાડવા, વૈજ્ઞાનિકો દ્વારા સીધુ ખેડુતોને માર્ગદર્શન આપવા, ખેતી ખર્ચ ઘટાડવા, આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે સૌપ્રથમ વર્ષ-૨૦૦૫-૦૬ માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગ રૂપે આ વર્ષે પણ સમગ્ર ગુજરતમાં ખેડુતોને માર્ગદર્શન મળે તે માટે તમામ ૨૪૮ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકા કક્ષાનો બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને, તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન.શાહની ઉપસ્થિતિમાં ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડુતોને પગભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી રહ્યા છે જેના કારણે આજના ખેડુતો ચીલાચાલુ ખેતીથી કંઇક અલગ નવી ખેતી પધ્ધતિ, આધુનિક ઢબે ખેતી કરતા થયા છે.
ઉપસ્થિત સૌને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સરકારે આ વર્ષને મીલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યુ છે ત્યારે આપણે સૌએ મીલેટ્સ ધાન્યનો ઉપયોગ કરીએ,આપણા શરીરને સ્વસ્થ રાખીએ,ખેડુતોની આવક બમણી થાય તે માટે આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરતા થાય તે જરૂરી છે.
તમામ ખેડુતો અહીંયાથી આપવામાં આવતા કૃષિલક્ષી જ્ઞાનનુ ભાથું લઇ પોતાની ખેતીમાં તેનો અમલ કરી ઝેરમુક્ત ખેતી અને ઝેરમુક્ત ઉત્પાદન કરતા થાય તેવી ધારાસભ્યશ્રીએ આશા વ્યકત કરી હતી.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય અધિકારીશ્રી સી.ડી. પંડ્યાએ અન્ન મિલેટ્સ અંગે વિસ્તુત જાણકારી આપતા જણાવ્યું હતું કે આપણી જીવન શૈલી બદલી મિલેટ્સને આપનાવીશું તો આપણને સ્વાસ્થ્યલક્ષી ઘણા લાભો થશે.
પ્રાસંગિક પ્રવચન અપાતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયાએ રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ અંતર્ગત ચાલનાર આ દિવસીય રવિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમ તથા પશુ આરોગ્ય મેળા અંગે વિસ્તુત જાણકારી હતી.
કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી ખર્ચના ઘટાડા, ખેતી પાકોમાંથી ઇથેનોલનું ઉત્પાદન, બાગાયત પાકો અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ.
તાપી જિલ્લાના સફળ ખેડૂત પ્રતીકભાઈ ચૌધરી અને સુરેશભાઈ ગામીતે પોતે કરેલી પ્રકૃતિક ખેતી અને તેના દ્વારા થયેલા ફાયદાઓ અંગે જાણકારી આપી હતી. તેમને સૌ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
આ સાથે અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના જીવંત પ્રસારણને નિહાળીને રાજ્યવ્યાપી ‘રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩’ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે સાથે કૃષિ ફિલ્મ પણ નિહાળવામાં આવી હતી.
આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે બેસ્ટ ફાર્મર એવોર્ડ, ખેતીવાડી/બાગાયત/પશુપાલન ખાતાની યોજનાઓના મંજુરી પત્રો, ખેડૂતનું સન્માન, ચેક/પેમેન્ટ ઓડર વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ખેડુતમિત્રોએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ સહિત વિવિધ વિભાગોના પ્રદર્શની સ્ટોલ નિહાળ્યા હતા.
નોંધનીય છે કે, આજે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમના સ્ટોલ નિદર્શન અને પશુ પાલન શાખા દ્વારા પશુ સારવાર કેમ્પનુ પણ તાલુકા વાર આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીઓ, તાપી જિલ્લા ઇંચાર્જ અધિક નિવાસી કલેકટરશ્રી સાગર મોવલીયા, નાયબ બાગાયત અધિકારીશ્રી તુષાર ગામીત, વ્યારા મામલતદારશ્રી એચ.જે.સોલંકી,લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા, જિલ્લા ખેતીવાડી-બાગાયત,કેવિકે વિભાગના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
00000