ઉચ્છલ તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો
રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ – તાપી જિલ્લો
–
ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની અપીલ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા
–
મિલેટ્સ પાકોમાંથી બનતી વાનગી પુસ્તિકાનું વિમોચન કરાયું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.24: તાપી જિલ્લાના તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં ઉચ્છલ તાલુકાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને શ્રી જામલી વિભાગ,જંગલ કામદાર સ.મં.લિ. સાર્વજનિક હાઇસ્કુલની બાજુના મેદાન ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ખેડૂત મિત્રોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ ઘડવામાં આવી છે. તેમણે તમામ ખેડૂતોને આજના મહોત્સવમાં તજજ્ઞો, વૈજ્ઞાનિકો પાસેથી વધુમાં વધુ જ્ઞાન મેળવી ઓછા ખર્ચે વધુ આવક મેળવીએ તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. ખેતી, આરોગ્ય કે પશુપાલન ક્ષેત્રે સરકાર જે આર્થીક સહાય આપે છે તેનો ઉપયોગ થકી આત્મનિર્ભર બનવાના સક્રિય પ્રયાસ કરવા જોઇએ એમ ઉમેર્યું હતું.
આજે ખેડૂતો આઇપોર્ટલ ખેડુતનો ઉપયોગ કરતા થયા, ગામે ગામ ગ્રામ પંચાયતમાં વીસી છે. ઓનલાઇન વિવિધ યોજનાના ફોર્મ ભરાય છે આ તમામ લાભો માટે આપણે પોતે જાગૃત બનીએ. તેમણે તાપી જિલ્લા તંત્રની સરાહના કરતા વધુમાં ઉમેર્યું હતું કે, આપણે ત્યા અધિકારી કર્મચારીઓ ખુબ જ એક્ટીવ છે જે નાગરિકોને વિવિધ સ્તરે સામેથી યોજનાઓની જાણકારી આપી સૌને લાભો અપાવે છે.
તેમણે સૌને આગ્રહ પુર્વક પ્રાકૃતિક ખેતી અપનાવવા ઉપર ભાર મુક્યો હતો. પ્રાકૃતિક કૃષિ અનાવીશુ તો કૃષિ પેદાશ વધારવાની સાથે પ્રકૃતિને પણ નુકશાનીથી બચાવી શકીએ. અને પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરવાની જગ્યાએ કાપડની અને કાગળની થેલીનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. અંતે તેમણે વિવિધ સરકારી યોજનાઓ જેમકે, આયુષમાન ભારત યોજના, જ્યોતિગ્રામ યોજના, પીએમ કિશાન યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત કાર્યક્રમમાં રવિ કૃષિ મહોત્સવમાં વૈજ્ઞાનિકોના વક્તવ્યો, ખેતી નિષ્ણાંતો દ્વારા વિવિધ બાબતો અંગે માર્ગદર્શન, કૃષીફિલ્મનું નિદર્શન, સ્ટૉલ પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાયા હતા.
નવસારી કૃષિ યુનિવર્સીટીના મ.પ્રા.એગ્રોનોમી શ્રી જયેશભાઇ વસાવે દ્વારા “શ્રી અન્ન” મિલેટસ અંગે વક્તવ્ય અને પ્રશ્નોત્તરી સેશન યોજાયો હતો. જેમાં ખેડૂતોએ તેઓને મુંઝવતા વિવિધ પ્રશ્નો અંગે સક્રિય ચર્ચા કરી હતી. આ સાથે એફ.પી.ઓની કામગીરી અંગે નારણપુરના એફપીઓ ઓફિસરશ્રી અપર્ણાબેન ગામીત દ્વારા અને ખેતી ખર્ચ ઘટાડવા અને બાગાયત પાકો અંગે નવસારી કૃષિ યુનિવર્સીટીના મ.પ્રા.બાગાયત આશીષકુમાર પટેલ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિવિધ પ્રગતિશિલ ખેડૂતો જેમાં ખેતીવાડી વિભાગ, આત્મા વિભાગ, બાગાયત વિભાગના ખેડૂતો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિલેટસ પાકોમાંથી બનતી વાનગી પુસ્તીકાનું વિમોચન કરાયું હતું. કાર્યક્રમમાં અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમને લાઇવ નિહાળ્યું હતું.
ઉચ્છલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સહિત મહાનુભાવોએ સ્ટોલ પ્રદર્શનની મુલાકાત લઇ સ્થાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ઉચ્છલ શ્રી એ.ઝેડ. પટેલ દ્વારા સ્વાગત પ્રવચન તથા આભાર દર્શન વિસ્તરણ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોઓર્ડીનેટર પ્રફુલભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સુપેરે પાર પાડવા ખેતીવાડી, બાગયત અને આત્મા પ્રોજેક્ટના અધિકારી કર્મચારીશ્રીઓ તથા તાલુકા વહિવટીતંત્રે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ,વિવિધ ગામના સરપંચશ્રીઓ અને સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
00000