આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરે તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ યોજાશે*
જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ સાથે આગામી સમયમા યોજાનર કાર્યક્રમો અંગે બેઠક યોજાઇ
–
આગામી તા.૨૮મી નવેમ્બરથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો ભવ્ય શુભારંભ થશે:
–
‘રવિ કૃષિ મહોત્સવ’ તથા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના તમામ કાર્યક્રમોમાં પદાધિકારીઓના જોડાવાથી નાગરિકોમાં ઉત્સાહ વધશે- જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા:૨૧: તાપી જિલ્લામાં આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બર-૨૦૨૩ના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ તથા આગામી તા.૨૮મી નવેમ્બરથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થનાર છે જેને અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગે પદાધિકારીશ્રીઓને જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપી હતી. તથા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ જે તા.૨૨મી નવેમ્બરના રોજ તાપી જિલ્લામાં યોજાનાર હતી તે આગામી તા.૨૮મી નવેમ્બરથી શરૂ થશે એમ માહિતી આપી હતી. તેમણે આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરે તમામ તાલુકાઓમાં યોજાનાર ‘રવિ કૃષિ મહોત્સવ’ તથા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના તમામ કાર્યક્રમોમાં પદાધિકારીઓના જોડાવાથી નાગરિકોમાં ઉત્સાહ વધશે એમ આશા વ્યક્ત કરી સૌને સક્રિયભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયાએ તાલુકાઓમાં યોજનારા ‘રવિ કૃષિ મહોત્સવ’ની રૂપરેખા અને આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એલ.મહાલાએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, સહિત વિવિધ તાલુકાના પ્રમુખશ્રીઓ, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સાગર મોવલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000