ઓલપાડની પ્રાય. ટીચર મંડળી દ્વારા ધાર્મિક વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું
(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : લાભ પાંચમનાં પાવન દિવસે ચોપડા પૂજન સંદર્ભે માતા શારદાનું પૂજન કરવાનો અનેરો મહિમા છે. ચોપડા પૂજનમાં વેપારીઓ ચોપડા પૂજન દ્વારા માતા શારદાની આરાધના કરે છે કે આખું વર્ષ તેમનાં વેપાર અને વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે. એક જાણકારી મુજબ વર્ષો પહેલાં રાજા ટોડરમલે હિસાબકિતાબ, ઊપજ, કર વગેરેની નોંધ રાખવા માટે ચોપડાની પ્રથા શરૂ કરી હતી. આ અરસામાં કેટલાક વેપારીઓએ ચોપડા રાખવાની પ્રથાને ધાર્મિક ઓપ આપી દિવાળીમાં લક્ષ્મીપૂજનની સાથે ચોપડા પૂજનની શરૂઆત કરી હતી. વર્ષો પૂર્વે શરૂ થયેલી ચોપડા પૂજનની પ્રથા આજે પણ યથાવત્ છે. જે પ્રથા આજરોજ ઓલપાડ નગરનાં ઝાંપાફળિયા સ્થિત ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લિ. નાં ભવન ખાતે કેમેરામાં કેદ થઈ હતી. જ્યાં મંડળીનાં સેક્રેટરીઓ દ્વારા પરંપરાગત ધાર્મિક વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.