જનતા કરફ્યુ : તાપી જિલ્લાની જનતાને હજાર સલામ
કલેકટર જિલ્લા વહીવટતંત્ર વતી પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો
(જિલ્લા માહિતી બ્યુરી, તાપી) : વ્યારા: તા.૨૨: વૈશ્વિક મહામારી “કોરોના”ના કહેરને રોકવા માટે આજે ભારતભરમાં ખૂબ જ સફળ રહેલા જનતા કરફ્યુને પગલે, તાપી જિલ્લામાં પણ જનતા જનાર્દનના અભૂતપૂર્વ સહયોગથી જનતા કરફ્યુને સફળ બનાવાયો છે.
“કોરોના” ના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાનશ્રી તથા મુખ્યપ્રધાનશ્રીના જનતા કરફ્યુના આહવાનને પગલે, તાપી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ધર્મચાર્યો, મીડિયાકર્મીઓ, સહિત નગરશ્રેષ્ઠીઓ સાથે જિલ્લા વહીવટી તંત્ર એ સફળ સંકલન સાધી, સહયોગ મેળવાયો હતો. જેના પરિણામે તાપી જિલ્લામાં પ્રજાએ સ્વયંભૂ બન્ધ પાડીને, “કોરોના” સામેની ભારતની લડાઈમાં હકારાત્મક યોગદાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ સંદર્ભે કલેકટરશ્રીની આગેવાની હેઠળ જિલ્લામાં શ્રેણીબદ્ધ બેઠકો આયોજિત કરવામાં આવી હતી. જે પૈકી રવિવારના જનતા કરફ્યુ માટે ખાસ કરીને જુદા જુદા ધાર્મિક સંગઠનોના વડાઓ, ધર્મગુરુઓ સાથે બેઠક યોજીને જિલ્લાના મંદિરો, મસ્જિદો તથા દેવળોમાં પણ રવિવારની પ્રાર્થના સભાઓ મોકૂફ રાખીને, સાવચેતી રાખવામાં આવી હતી. જેમાં દરેક સંપ્રદાય નો સહયોગ સાંપડયો હતો.
“કોરોના” સામેના આ જંગમાં મીડિયા કર્મીઓએ આપેલા સહયોગ બદલ તેમનો પણ કલેકટરશ્રીએ આભાર વ્યકત કર્યો છે.
સાથે રવિવારે સાંજે બરાબર પાંચ વાગ્યે પ્રજાજનોએ “કોરોના” સામે જંગે ચડેલા કર્મયોગીઓને પ્રોત્સાહિત કરતા ઠેર ઠેર ધ્વનિનાદ કરીને તેમનું આભાર દર્શન કર્યું હતું. જનતા કરફ્યુમાં સહયોગ આપવા બદલ તાપી વહીવટી તંત્રે સૌનો આભાર વ્યક્ત કર્યો છે.
—