આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવીના કાકરાપાર ન્યુકિલયર પાવર પ્લાન્ટ ખાતેથી શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ ભોજન વિતરણનો પ્રારંભ
સુરત શહેર-જિલ્લામાં વધુ નવા ૨૨ જેટલા કડિયાનાકાઓ ખાતે શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્રોનો પ્રારંભ કરાયો
—–
ગુજરાત એ દેશનું પહેલું રાજ્ય જે રૂ.પાંચમાં પૌષ્ટિક આહાર આપે છે
સ્વદેશી ફટાકડા અને દિવડાઓ ખરીદીને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીએ – આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ
——
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શુક્રવારઃ- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સુરત જિલ્લાના માંડવીના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ગેટ નં.૧/૨ કડિયાનાકા પરથી શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ ભોજન વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું.
સુરત શહેર-જિલ્લામાં રૂા.૫ના દરે શ્રમિક તથા તેમના પરિવારને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે, જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, ગોળનો સમાવેશ થાય છે. સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્ન પણ આપવામાં આવે છે. એક ભોજનમાં અંદાજે ૬૨૫ ગ્રામ અને ૧૫૨૫ કેલેરી મળી રહે છે. આ યોજનાનો લાભ લેવા માટે ભોજન વિતરણ કેન્દ્ર પર ઈ-નિર્માણ કાર્ડ અથવા કયુ.આર.કોડ સ્કેન કરાવી શ્રમિકો ભોજન મેળવી શકે છે. એક સમયમાં શ્રમિક દીઠ વધુમાં વધુ છ વ્યકિતનું ભોજન મળી શકે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કાકરાપાર ખાતે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર શરૂ થવાથી પ્લાન્ટમાં કામ કરતાં શ્રમિકો તેમજ આસપાસના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકો પૌષ્ટિક આનંદ મળશે. આગામી દિવસોમાં તડકેશ્વર તેમજ ઉકાઇ ખાતે પણ કેન્દ્રો શરૂ કરાશે. ગુજરાત એ દેશનું પહેલું રાજ્ય જે રૂ.પાંચમાં પૌષ્ટિક આહાર આપે છે. રાજ્ય સરકારે શ્રમિકોની કદર કરી છે, અને તેમના બાળકોને ૨૦ હજારની શિક્ષણ સહાય આપવામાં આવે છે. આદિવાસી બાળકોને ડૉક્ટર બનવા માટે ૧૫ લાખ અને પાયલોટ બનવા માટે ૨૫ લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
તેમણે દિવાળીના પર્વમાં સ્વદેશી ફટાકડા અને દિવડાઓ ખરીદીને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા સૌને અપીલ કરી હતી.
જિલ્લામાં બારડોલીના તલાવડી, શ્રી બાબાસાહેબ આંબેડકર પ્રતિમાની સામે, માંડવીના ધોબડીનાકા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, કામરેજ ચોકડી ખાતે, સાયણ ચાર રસ્તા ખાતે ભોજન વિતરણનો પ્રારંભ થયો છે. નોંધનીય છે કે, સુરત શહેર-જિલ્લામાં હાલમાં ૧૮ કડીયાનાકા પરથી ભોજન વિતરણ કરવામાં આવે છે જેમાં નવા ૨૨ કેન્દ્રોનો ઉમેરો થતા ૪૦ કડિયાનાકા પર ભોજન ઉપલબ્ધ બનશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી રાજ્યમાં કુલ ૧૫૫ નવા કેન્દ્રોનો પ્રારંભ કરાવ્યો હતો, જેરાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, મદદનીશ શ્રમ આયુક્ત સંતોષ દુબે, શ્રમ અધિકારી સુરત સ્મિત શાહ, સરપંચ એસો. પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, અગ્રણી અનિલભાઈ, અગ્રણી જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-