વેકેશનની પૂર્વ સંધ્યાએ ઓલપાડની સી.આર.સી. કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં દિવાળી પર્વ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રકાશનો પર્વ દિવાળી વેકેશન પૂર્વે ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં શ્રધ્ધા, ઉત્સાહ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.
અંધકાર પર પ્રકાશનાં વિજયનાં પર્વની ઉજવણીનાં ભાગરૂપે કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી, મીંઢી, ભગવા, મોર અને મીરજાપોર ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શિક્ષકો દ્વારા દિવાળી પર્વનાં મહાત્મ્ય વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ સાથે કેટલીક શાળાઓમાં દિપાવલી ગ્રેટિંગ્સ કાર્ડ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, દીવડા શણગાર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બાળકોને મીઠાઈ, ચોકલેટ વહેંચીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. બાળકોએ શાળા પટાંગણમાં દીવા પ્રગટાવી વિવિધ જાતનાં ફટાકડા ફોડી દીપોત્સવીની આગોતરી મોજ માણી હતી.
કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલે બાળકોને સોશિયલ મીડિયાનાં માધ્યમથી દિવાળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી કરવાનો સંદેશ પાઠવ્યો હતો. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ (ભગવા) તથા સંઘનાં ઉપપ્રમુખ ચિરાગ પટેલ (જીણોદ) એ સૌ બાળકો, શિક્ષકો તથા વાલીજનોને દિવાળી પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી.