તાપી જિલ્લામાં આગામી ૨૨મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.08: સમગ્ર રાજ્યમાં વિવિધ તબક્કે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ હેઠળ રથ યાત્રા યોજાનાર છે. જે અન્વયે તાપી જિલ્લામાં પણ આગામી ૨૨મી નવેમ્બર-૨૦૨૩થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાનાર છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં આગામી બે માસ ચાલનાર યાત્રાના સુચારૂ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે જણાવ્યું કે, જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન તાપી જિલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે સરકારશ્રીની ૧૭ જેટલી વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી લોકો સુધી સીધી રીતે પહોંચાડવામાં આવશે. આ કામગીરી તાપી જિલ્લાના ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની નિમણૂક નોડલ તરીકે કરવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે તાપી જિલ્લામાં આગામી તા. ૨૨થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ભ્રમણ કરનાર છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાપી જિલ્લાને ત્રણ આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સાંસ્કૂતિક કાર્યક્રમો, ગ્રામસભાઓ, આરોગ્ય કેમ્પ પણ યોજાશે. ગામેગામ આ યાત્રાનું સ્વાગત, મેસેજ પ્લેયિંગ, લાભાર્થીઓની સફળવાત સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં પણ કરવામાં આવશે.
૦૦૦૦