ઓલપાડની સોંદામીઠા આશ્રમ શાળામાં અસનાડનાં કંથારીયા પરિવાર દ્વારા તિથિ ભોજન તથા શૈક્ષણિક કીટ વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારનાં ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. દિપાવલીનાં પાવન પર્વ પૂર્વે બાળદેવરૂપી ઋણ અર્પણ કરવાનાં ભાવ સાથે ઓલપાડનાં અસનાડ ગામનાં નિવૃત્ત તલાટી કમ મંત્રી કાનજીભાઈ કંથારીયા પરિવાર દ્વારા ઓલપાડની સોંદામીઠા આશ્રમ શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ સહિત તિથિ ભોજન યોજવામાં આવ્યું હતું.
ગતરોજ સદર આશ્રમ શાળામાં અભ્યાસ કરતાં 170 જેટલાં બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાનજીભાઈ તથા તેમનાં ધર્મપત્ની સહિત તેમનાં સુપુત્રો રાકેશ કંથારીયા અને મનિષ કંથારીયા ઉપરાંત પરિવારજનો, ચેતન પટેલ તથા મિત્રમંડળે ઉપસ્થિત રહીને બાળકોને ભાવપૂર્વક ભોજન પીરસ્યું હતું.
ભોજનનો રસાસ્વાદ માણ્યા બાદ બાળકોને કંથારીયા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે તમામ બાળકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. અંતમાં સદર આશ્રમ શાળાનાં આચાર્ય ઈલાબેન પટેલે શાળાનાં બાળકો તેમજ સ્ટાફગણ વતી કંથારીયા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.