ઓલપાડની કરંજ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ નિમિત્તે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય એકતાનાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી, મીંઢી, મોર, મીરજાપોર તથા ભગવા સહિતની પ્રાથમિક શાળાઓનાં બાળકો, શિક્ષકો તથા એસ.એમ.સી. સભ્યોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવાનાં શપથ લીધા હતાં. આ માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવા સૌ સંકલ્પબદ્ધ થયા હતાં.
આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કેન્દ્વાચાર્યા જાગૃતિ પટેલે એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા વર્ષ 2014 માં સરદાર પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. આ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી તેમનાં દેશને એક કરવાનાં ભગીરથ કાર્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એકતાનાં શપથ ગ્રહણ કરવામાં આવે છે.