મિલેટ્સ પાકોને રોજીંદા જીવનમાં ભરપુર ઉપયોગ કરવા અને તેના મુલ્ય વર્ધન થકી આર્થીક રીતે સધ્ધર થવા અપીલ કરતા જિ.પં.પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા

Contact News Publisher

સોનગઢ અગ્રસેન ભવન ખાતે ‘આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023’ તાલુકા કક્ષાનો મેળો અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.20 ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૩ને International Year of Millets તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. મીલેટસ પાકોના સ્વાસ્થ્ય વર્ધક મહત્વ, વધુમાં વધુ ઉત્પાદન અને વપરાશ થાય તેમજ કૃષિમાં આધુનિક તાંત્રિકતાઓ, પ્રાકૃતિક કૃષિ, ખેતી પાકોનું મૂલ્યવર્ધન અને બજાર વ્યવાસ્થાપન બાબતે લોક જાગૃતતા આવે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે આશયથી Millets Festivalનું આયોજન સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ તથા તાલુકા કક્ષાએ કરવામાં આવી રહ્યું છે.

જે અન્વયે તાપી જિલ્લામાં ખેતીવાડી વિભાગ તાપી, કેવીકે તથા મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સુરતના સંયુક્ત ઉપક્રમે આજે સોનગઢ તાલુકા સ્થિત અગ્રસેન ભવન હોલ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023’ તાલુકા કક્ષાનો મેળો અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને તથા વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિ.પં.પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ સ્થાનિક ભાષામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી યુનોમાં પ્રસ્તાવ આપતા સમગ્ર વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023’ઉજવી રહ્યું છે. તેમણે આપણા વિસ્તારમાં થતા મુખ્ય આઠ મિલેટ્સ પાકોના ઉત્પાદન માટે તાપી જિલ્લાનો વિસ્તાર ખુબ અનુકુળ છે એમ જણાવી આવા પાકોને પકવવા આહવાન કર્યું હતું આ સાથે આવા મુખ્ય પાકોને રોજીંદા જીવનમાં ભરપુર ઉપયોગ કરવા અને તેના મુલ્ય વર્ધન થકી આર્થીક રીતે સધ્ધર થવા અંગે જાણકારી આપી હતી. પ્રમુખશ્રીએ સરકારશ્રીની વિવિધ કલ્પાણકારી યોજનાઓ જેમ કે કિશાન સન્માનનિધિ યોજના, આયુષ્માન ભારત યોજના અંગે માહિતી આપી તેનો લાભ લેવા વિનંતી કરી હતી. અંતે તેમણે સૌ ખેડૂત ભાઇ બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સુરતના ડો.ભરત દાવડાએ મિલેટસ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, મિલેટ્સનો ઉપયોગ આપણા વડવાઓ કરતા હતા. આધુનિકતા તરફ આંધળી દોળ મુકતા આપણે પરંપરાગત પાકોને છોડી જંક ફુડ તરફ વળ્યા. તેમણે મિલેટસ પાકોના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે નાગરિકોને અવગત કરી તાપી જિલ્લાનો ‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ તરીકે’ જુવારના પાકની પસંદગી કરવામાં આવી છે એમ જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને જુવારમાં રહેલ પોષક તત્વો અંગે તથા તેના ચારાનો ઉપયોગ પશુઓને આપવા માહિતી આપી હતી.

કાર્યક્રમમાં મિલેટસ પાકો અને તાપી જિલ્લા મુખ્ય મિલેટ જુવાર પાક અંગે કેવીકે તાપીના વડા ડૉ.સી.ડી.પંડ્યા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાથે પ્રાકૃતિક ખેતી અંગે કેવીકે તાપીના વિષય નિષ્ણાંત ડૉ.કુલદિપભાઇ રાણા દ્વારા પ્રાકૃતિક ખેતીના પાકોનું બજાર વ્યવસ્થાપન અંગે તથા
ડો.અર્પીત ઢોડિયા દ્વારા મિલેટસ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેના વૈજ્ઞાનિક અભિગમ અંગે ખેડૂત મિત્રોને એક્સપર્ટ લેક્ચર આપ્યો હતો.

આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોમાં ચકવાણ ગામના શ્રી કલ્પેશભાઇ ભારતી તથા નિશાળા ગામના શ્રી નટવરભાઇ ગામીતને શાલ ઓઢાડી મહાનુભાવોના હસ્તે સન્મામિત કરાયા હતા. આ સાથે વિવિધ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે એસેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

તાપી જિલ્લાના વિવિધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોના ખેતપેદાશોના સ્ટોલ પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રસંગે ખેતીવાડી અધિકારી શ્રી ચેતન ગરાસિયાએ સ્વાગત પ્રવચન થકી મિલેટ્સ ફેસ્ટીવલ અંગે જાણકારી આપી હતી. જેમાં મિલેટસના રોજીંદા જીવનમાં મહત્વ અંગે સમજ કેળવી હતી. તથા એવા અનાજ જેના ઉપયોગ થકી શરીરને ખરેખર પોષણ મળે છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ભીલાભાઇ અને તાલુકા પંચાયતના વિવિધ પદાધિકારીઓ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અલ્કેશ પટેલ, બાગાયત અધિકારીશ્રી તુષાર ગામીત સહતિ સોનગઢ તાલુકાના ખેડૂત મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other