ઓલપાડનાં તાલુકા વિકાસ અધિકારીની બઢતી સાથે બદલી થતાં તા.પં. કચેરી દ્વારા વિદાય સત્કાર સમારંભ યોજાયો
સત્કાર સમારંભમાં મોટી સંખ્યામાં અધિકારી-પદાધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતાં મૌલિક એમ. દોંગાની ગાંધીનગર ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી સાથે બદલી થતાં અત્રેની તાલુકા પંચાયત કચેરી, ઓલપાડ દ્વારા તેમનો વિદાય સત્કાર સમારંભ તાલુકા પંચાયત ભવનનાં સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો.
તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખ બ્રિજેશ પટેલ, મહામંત્રી કુલદીપસિંહ ઠાકોર, ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, શાસક પક્ષ નેતા જિજ્ઞેશભાઇ પટેલ, દંડક કિશોરભાઈ રાઠોડ તથા અન્ય તાલુકા સદસ્યો, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, તાલુકા પંચાયત કર્મચારીગણ, તલાટી મંડળ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ વિદાય સત્કાર પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો ઉપરાંત વિવિધ વિભાગનાં કર્મચારીઓ દ્વારા મૌલિકકુમારને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિભેટ અર્પણ કરી સત્કારવામાં આવ્યાં હતાં. આ તકે ઉપસ્થિત મહાનુભવોએ પોતપોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં મૌલિકકુમારનાં સૌમ્ય સ્વભાવ, વહીવટી કુશળતા, હકારાત્મકતા તથા વિકાસશીલ અભિગમની સરાહના કરી હતી.
શિક્ષકોનાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે મૌલિકકુમારને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે વહીવટી કુશળતા ધરાવતાં તાલુકા વિકાસ અધિકારી સાહેબનો શિક્ષણ પ્રત્યેનો લગાવ નોંધપાત્ર રહ્યો છે. વિદ્યાર્થી, શિક્ષક કે શાળાનાં કોઈપણ કાર્યને તેમણે હકારાત્મકતાથી મુલવી હંમેશા તે કાર્યને પ્રાધાન્ય આપ્યું છે જેનો હું સાક્ષી છું. મૌલિકકુમારે પોતાનાં પ્રતિભાવમાં કર્મચારીઓ સાથેની આત્મિયતા ઉપરાંત પદાધિકારીઓ સાથેની અપેક્ષિત સંકલન ભાવનાને વાગોળી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રારંભે સ્વાગત પ્રવચનથી લઈ અંતમાં આભારવિધિ સુધીનું સુચારું સંચાલન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા પંચાયત કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.