સોશિયલ મીડિયાની આંધી અને પ્રભાવ વચ્ચે આજે વિસરાતી ટપાલ…!!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 9 ઓક્ટોબરનાં રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતાં વિશ્વ ટપાલ દિવસનાં ભાગરૂપે ભારતમાં તા. 9 થી 13 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. થોડા વર્ષો અગાઉ એક વ્યક્તિને દૂર રહેતાં બીજા વ્યક્તિ સુધી સંદેશો પહોંચાડવો હોય તો તે માટે ટપાલ સુવિધા શ્રેષ્ઠ વિકલ્પ હતો. પરંતુ સોશિયલ મીડિયાની આંધી અને પ્રભાવ વચ્ચે આજે ટપાલ સુવિધાઓ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. એકાદ દાયકા અગાઉ ટપાલીનાં આગમનની કાગડોળે રાહ જોવાતી હતી. આજે સંદેશો પહોંચાડવા માટે પોસ્ટકાર્ડનો ભાગ્યેજ કોઈ વ્યકિત ઉપયોગ કરતી હશે. એટલું જ નહીં આજની યુવા પેઢીને પોસ્ટકાર્ડ એટલે શું અને તેને લખવાની પદ્ધતિનો જ કદાચ ખ્યાલ નહીં હોય. એ જમાનાનો સ્નેહ નીતરતો લેખિત સંદેશ આજનાં મોબાઇલ યુગમાં જોવા મળતો નથી ત્યારે આજનાં 10 ઓક્ટોબર રાષ્ટ્રીય ટપાલ દિવસ નિમિત્તે ઓલપાડ નગરની બજારમાં એક સૂનમૂન ટપાલપેટી કેમેરામાં કેદ થઇ તે વેળા જાણે મનોમન ‘પથિક’ની પંક્તિ બોલી ઉઠી કે,
મેસેજ નહીં દોસ્ત મોકલજે તું ટપાલ,
સુગંધ તારા કરકમળની લઈ આવે છે ટપાલ !
(તસવીર : વિજય પટેલ, ઓલપાડ)